કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે 18 વર્ષ અને તેથી વધુ ઉંમરના નાગરિકોને ‘વયો સાથી’ તરીકે સ્વયંસેવક બનવા આમંત્રણ આપ્યું છે. આ પહેલ ‘વયો સન્માન રાષ્ટ્રીય અભિયાન’નો ભાગ છે, જે અટલ વયો અભ્યુદય યોજના (AVYAY) હેઠળ શરૂ કરાયું છે. તેનો હેતુ વરિષ્ઠ નાગરિકોની સંભાળ, સાથ-સહકાર અને સામાજિક સમાવેશને પ્રોત્સાહન આપવાની સાથે જુદી જુદી પેઢીઓ વચ્ચેના સંબંધો મજબૂત કરવાનો છે.

રસ ધરાવતા નાગરિકો ‘સીનિયર સિટીઝન્સ વેલફેર (SCW) સિંગલ એક્સેસ મિકેનિઝમ ફોર ઓલ વર્ટિકલ્સ ઓફ એમપાવરમેન્ટ એન્ડ સોશિયલ હાર્મની’ એટલે કે SAMAVESH પોર્ટલ પર મારફતે નોંધણી કરાવી શકે છે. નોંધણી માટે ‘વયો સાથી’ સ્વયંસેવક નોંધણી સુવિધા અથવા JEEVAN (જોઇન્ટ એલ્ડરલી એમપાવરમેન્ટ એન્ડ વર્ચ્યુઅલ આસિસ્ટન્સ નેટવર્ક) મોબાઇલ એપનો પણ ઉપયોગ કરી શકાય છે. ભાગ લેનાર સ્વયંસેવકોને ‘વયો સાથી પ્રમાણપત્ર’ આપવામાં આવશે.

સ્વયંસેવકોની ભૂમિકા

આ પહેલ હેઠળ સ્વયંસેવકો વરિષ્ઠ નાગરિકો માટે સાથી, સહાયક અને જોડાણકર્તા તરીકે કામ કરશે. તેઓ વરિષ્ઠ નાગરિકોને ડિજિટલ સેવાઓ મેળવવામાં અને કલ્યાણ સંબંધિત માહિતી સમજવામાં મદદ કરી શકે છે. તેમની સાથે સમય વિતાવવો, જ્ઞાન અને કૌશલ્યોની આપ-લે કરવી અને સામુદાયિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે સહાય કરવી પણ આ કામનો ભાગ છે.

મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, પ્રવૃત્તિઓમાં ડિજિટલ સાક્ષરતા વધારવી, સાયબર છેતરપિંડી અંગે જાગૃતિ લાવવી, આરોગ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવું તથા વરિષ્ઠ નાગરિકોની સામાજિક ભાગીદારી વધારવાનો સમાવેશ થાય છે. પહેલ વિદ્યાર્થીઓ, યુવા વ્યાવસાયિકો અને સમુદાયના સ્વયંસેવકોને જોડાવાની તક આપે છે.

પેઢીઓ વચ્ચે જોડાણનો પ્રયાસ

મંત્રાલયે તાજેતરમાં નવી દિલ્હીમાં ‘વયો સન્માન રાષ્ટ્રીય અભિયાન’નો પ્રારંભ કર્યો હતો. કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી ડૉ. વીરેન્દ્ર કુમારે તેનું ઉદ્ઘાટન કર્યું હતું. અભિયાનનો આધાર ‘5C’ મોડેલ છે: કનેક્ટ, કન્વર્સ, કો-ક્રિએટ, કોન્ટ્રિબ્યુટ અને કન્ટિન્યુ. આ માળખા હેઠળ યુવાનો અને વરિષ્ઠ નાગરિકો સામુદાયિક મંચો તથા શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા જોડાય, અનુભવો અને વાર્તાઓ વહેંચે, સાથે પ્રવૃત્તિઓ કરે અને જ્ઞાન-કૌશલ્યોની આપ-લે કરે તેવો હેતુ છે.

અભિયાનમાં 12 વિષયક્ષેત્રોનો સમાવેશ થાય છે. તેમાં ‘30 મિનિટ્સ ટુગેધર’, ‘ટીચ મી – આઈ વિલ ટીચ યુ’, ‘માય સ્ટોરી, માય ઇન્ડિયા’, ‘ડિજિટલ દાદા-દાદી / ડિજિટલ સાથી’, ‘જનરેશન હેલ્થ એન્ડ વેલનેસ’ અને ‘સિલ્વર સ્કિલ્સ – સીનિયર્સ એઝ મેન્ટર્સ’નો સમાવેશ થાય છે. આ પ્રવૃત્તિઓ દ્વારા સહચર્ય, મૌખિક ઇતિહાસનું જતન, ડિજિટલ સમજ અને વરિષ્ઠ નાગરિકોના અનુભવને માર્ગદર્શન તરીકે ઉપયોગમાં લેવા પર ભાર મૂકાયો છે.

મંત્રાલયે અભિયાન માટે માર્ગદર્શિકા પણ બહાર પાડી છે. તેમાં હેતુઓ, અમલીકરણની રીત, વિષય આધારિત પ્રવૃત્તિઓ અને રાજ્યો, જિલ્લાઓ તથા સામુદાયિક સંસ્થાઓની ભૂમિકાની વિગતો છે. પંચાયતો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, શૈક્ષણિક તથા સામુદાયિક સંસ્થાઓ, યુવા સંગઠનો, યુનિવર્સિટીઓ, NGO, RWA અને CSR ભાગીદારોને સ્વયંસેવકોને જોડવા અને પહેલમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરાયા છે.