વલસાડ જિલ્લામાં ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓને આધુનિક બનાવવા માટે PM-SETU યોજના હેઠળ આગામી પાંચ વર્ષમાં રૂ. 240 કરોડના રોકાણનું આયોજન કરવામાં આવ્યું છે. આ માહિતી નાણાંપ્રધાન કનુભાઈ દેસાઈ અને જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાનની અધ્યક્ષતામાં વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં આપવામાં આવી હતી.

યોજનામાં ભારત સરકાર તરફથી રૂ. 120 કરોડ, ગુજરાત સરકાર તરફથી આશરે રૂ. 80 કરોડ અને ઉદ્યોગો તરફથી રૂ. 40 કરોડ ફાળવવાની વાત કરવામાં આવી છે. આ રોકાણથી ITIમાં આધુનિક સાધનો, લેબોરેટરી, સ્માર્ટ ક્લાસરૂમ અને ઉદ્યોગલક્ષી અભ્યાસક્રમો વિકસાવવાનો ઉદ્દેશ છે.

ઉદ્યોગોની સીધી ભાગીદારી

PM-SETUનો હેતુ ITIની તાલીમને સ્થાનિક ઉદ્યોગોની જરૂરિયાત સાથે જોડવાનો છે. આ માટે ઉદ્યોગો અને શૈક્ષણિક સંસ્થાઓની ભાગીદારી મેળવવામાં આવી રહી છે. પત્રકાર પરિષદમાં જણાવ્યા મુજબ, મેરિલ લાઇફ સાયન્સ દર વર્ષે રૂ. 2 કરોડ, એટલે કે પાંચ વર્ષમાં કુલ રૂ. 10 કરોડનું યોગદાન આપશે. શ્રીમદ્ રાજચંદ્ર એજ્યુકેશન ટ્રસ્ટ અને હુબર ગ્રુપ દર વર્ષે રૂ. 1 કરોડ પ્રમાણે પાંચ વર્ષમાં રૂ. 5-5 કરોડની ભાગીદારી કરશે.

ઉદ્યોગોની ભાગીદારીથી ITIના અભ્યાસક્રમો અને તાલીમ સ્થાનિક ઔદ્યોગિક જરૂરિયાતો પ્રમાણે તૈયાર કરવાની યોજના છે. તેના કારણે તાલીમ પૂર્ણ કરનારા યુવાનોને ઉદ્યોગોમાં જરૂરી કૌશલ્ય મેળવવામાં મદદ મળશે.

પારડી ITI બનશે મુખ્ય હબ

યોજનામાં પારડી ITIને મુખ્ય હબ ITI તરીકે વિકસાવવાની દરખાસ્ત છે. વલસાડ જિલ્લાના અન્ય ITIને સ્પોક તરીકે વિકસાવવામાં આવશે. હબ-એન્ડ-સ્પોક મોડલમાં મુખ્ય ITI ખાતે આધુનિક સુવિધાઓ, સાધનો અને તાલીમની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે, જેના લાભને અન્ય ITI સુધી પહોંચાડવામાં આવશે.

કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે આ અંગે તૈયાર કરાયેલો પ્લાન ગુજરાતના મુખ્ય સચિવને સુપરત કરવામાં આવશે. ત્યારબાદ કેન્દ્ર સરકારની મંજૂરીની પ્રક્રિયા હાથ ધરાશે. એટલે હાલ રૂ. 240 કરોડનું રોકાણ આયોજનના તબક્કામાં છે અને અંતિમ મંજૂરી પછી તેના અમલની દિશા સ્પષ્ટ થશે.

જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાને જણાવ્યું હતું કે હબ-એન્ડ-સ્પોક મોડલથી સ્થાનિક ગામડાં અને આસપાસના વિસ્તારોના યુવાનોને પોતાના વિસ્તારની નજીક કૌશલ્ય તાલીમ અને રોજગારલક્ષી તકો મળી શકશે. વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સતીશભાઈ પટેલે જણાવ્યું હતું કે ITIના અપગ્રેડેશન સાથે સ્થાનિક યુવાનોને રોજગાર માટે જરૂરી કૌશલ્ય મળશે અને ઉદ્યોગોને જરૂરિયાત મુજબના તાલીમપ્રાપ્ત કર્મચારીઓ મળી શકશે.