તમિલનાડુ સરકારે નવજાત બાળકો માટે ‘થાઈ મામન થંગા મોથિરમ’ નામની યોજના શરૂ કરી છે. યોજના હેઠળ પાત્ર પરિવારોના સરકારી હોસ્પિટલ અથવા સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જન્મેલા બાળકને 22 કેરેટ સોનાની 1 ગ્રામની વીંટી આપવામાં આવશે.

તમિલનાડુના મુખ્યમંત્રી વિજયે 28 સપ્ટેમ્બરે મદુરાઈની Government Rajaji Hospital ખાતે યોજનાનો પ્રારંભ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન તેમણે ત્રણ નવજાત બાળકોને વીંટી પહેરાવી હતી.

યોજના હેઠળ કોને લાભ મળશે?

લાભ મેળવવા માટે બાળકનો જન્મ તમિલનાડુની સરકારી હોસ્પિટલ અથવા સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં થયેલો હોવો જરૂરી છે. માતા તમિલનાડુની કાયમી રહેવાસી હોવી જોઈએ અને તેનું Pregnancy and Infant Cohort Monitoring and Evaluation (PICME) સિસ્ટમમાં રજિસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ. માતા પાસે RCH ID એટલે કે Reproductive and Child Health identification નંબર પણ જરૂરી છે.

યોજના 22 જૂન, 2026થી પૂર્વલક્ષી રીતે લાગુ કરવામાં આવી છે. જોકે ખાનગી હોસ્પિટલમાં જન્મેલા અને ત્યારબાદ સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયેલા બાળકોને આ લાભ મળશે નહીં. ગર્ભમાં મૃત્યુ પામેલા અને મૃતજન્મેલા બાળકો પણ યોજનામાં સામેલ નથી.

જૂના પાત્ર લાભાર્થીઓને કેવી રીતે મળશે વીંટી?

22 જૂનથી 28 સપ્ટેમ્બર વચ્ચે જન્મેલા પાત્ર બાળકો માટે રાજ્યમાં 107 હબ સેન્ટર બનાવવામાં આવ્યા છે. આ કેન્દ્રો દ્વારા વીંટીઓનું વિતરણ કરવામાં આવશે. નિર્ધારિત આયોજન મુજબ દરેક હબ પર દરરોજ 100 બાળકોને વીંટી આપવાની વ્યવસ્થા છે.

યોજનાના પ્રારંભ પછી સરકારી હોસ્પિટલમાં જન્મેલા પાત્ર નવજાતને હોસ્પિટલમાંથી રજા મળે તે પહેલાં વીંટી આપવાની જોગવાઈ છે. વીંટીઓ પર અલગ સીરીયલ નંબર હશે અને તે tamper-proof પેકિંગમાં આપવામાં આવશે.

યોજનાનો ખર્ચ અને હેતુ

તમિલનાડુ સરકારે યોજના માટે વાર્ષિક ₹755.83 કરોડની ફાળવણી કરી છે. રાજ્ય સરકારના આંકડા મુજબ તમિલનાડુમાં દર વર્ષે આશરે 7.8 લાખ બાળકોનો જન્મ થાય છે અને લગભગ 4.2 લાખ પ્રસૂતિ સરકારી હોસ્પિટલોમાં થાય છે. યોજનામાં વાર્ષિક આશરે 4.41 લાખ બાળકોને આવરી લેવાનું આયોજન છે.

પ્રથમ તબક્કામાં 1.28 લાખ વીંટીઓની ખરીદી કરવામાં આવી છે. આ રકમ સોનાની વીંટીની સીધી રોકડ કિંમત નથી; તેમાં સોનાની સાથે બનાવટ, હોલમાર્કિંગ, વીમો અને પરિવહન જેવા ખર્ચનો સમાવેશ થાય છે.

‘થાઈ મામન’નો અર્થ માતાનો ભાઈ થાય છે. તમિલ પરંપરામાં નવજાત બાળકને માતાના ભાઈ તરફથી ભેટ આપવાની પ્રથા સાથે આ નામ જોડાયેલું છે. સરકારનો હેતુ આ સાંસ્કૃતિક પરંપરાને સરકારી કલ્યાણ યોજનામાં સ્થાન આપવાનો છે. સાથે જ સરકારી હોસ્પિટલોમાં પ્રસૂતિને પ્રોત્સાહન આપવું, માતૃત્વનું સન્માન કરવું અને સરકારી આરોગ્યસેવાઓ પ્રત્યે વિશ્વાસ મજબૂત કરવો પણ યોજનાના જાહેર કરાયેલા ઉદ્દેશોમાં સામેલ છે.