સુરત જિલ્લાના કડોદરા ખાતે કચ્છ કડવા પાટીદાર સમાજના દક્ષિણ ગુજરાત ઝોન દ્વારા ત્રીજા સંતાનના જન્મને પ્રોત્સાહન આપવા નવી યોજના જાહેર કરવામાં આવી છે. યોજના હેઠળ ત્રીજા સંતાન તરીકે જન્મ લેનાર બાળકના નામે ₹50,000ની ફિક્સ ડિપોઝિટ (FD) કરવામાં આવશે.
આ સહાય દીકરો હોય કે દીકરી, બંને માટે સમાન રહેશે. ઉપલબ્ધ અહેવાલો મુજબ, FDની સમયમર્યાદા 10 વર્ષ સુધીની રહેશે. આ નિર્ણય સમાજમાં ઘટતા જન્મદર, નાના પરિવારના વધતા ચલણ અને ભવિષ્યમાં ઊભા થઈ શકે તેવા સામાજિક અસંતુલન અંગેની ચિંતાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
કડોદરા ખાતે યોજાયેલી દક્ષિણ ગુજરાત ઝોનની વાર્ષિક સામાન્ય સભામાં સમાજના આગેવાનો, હોદ્દેદારો અને સભ્યોની હાજરીમાં યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. ઉપલબ્ધ માહિતી અનુસાર, 13 સપ્ટેમ્બર, 2026 બાદ દક્ષિણ ગુજરાત ઝોનના આજીવન સભ્યોના પરિવારમાં બીજા સંતાન બાદ જન્મ લેનાર બાળકને યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
