રાજકોટ જિલ્લામાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ 702 વ્યાજબી ભાવની દુકાનો મારફતે 3,06,381 રેશનકાર્ડધારક પરિવારોના 11,67,716 લાભાર્થીઓને દર મહિને અનાજ આપવામાં આવે છે. અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળતું અનાજ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ નિઃશુલ્ક અપાય છે.
અંત્યોદય રેશનકાર્ડ ધરાવતા દરેક પરિવારને દર મહિને 15 કિલો ઘઉં, 15 કિલો ચોખા અને 5 કિલો બાજરી—કુલ 35 કિલો અનાજ મળે છે. અગ્રતા ધરાવતા કુટુંબોને વ્યક્તિદીઠ 2 કિલો ઘઉં, 1 કિલો ચોખા અને 2 કિલો બાજરી, એટલે કે કુલ 5 કિલો અનાજ આપવામાં આવે છે. ખાંડ, ચણા, તુવેરદાળ અને મીઠું પણ રાહતદરે ઉપલબ્ધ કરાવાય છે.
ઓક્ટોબરમાં અનાજ અને જીવનજરૂરી ચીજોનું વિતરણ
ઓક્ટોબર દરમિયાન જિલ્લામાં 2,410.98 મેટ્રિક ટન ઘઉં, 1,343.64 મેટ્રિક ટન ચોખા અને 2,162.61 મેટ્રિક ટન બાજરીનું વિતરણ થયું હતું. આ ઉપરાંત 246.22 મેટ્રિક ટન તુવેરદાળ, 249.62 મેટ્રિક ટન ચણા, 109.13 મેટ્રિક ટન ખાંડ અને 191.19 મેટ્રિક ટન મીઠું રેશનકાર્ડધારકો સુધી પહોંચાડવામાં આવ્યું.
અગ્રતા ધરાવતા કુટુંબોની પાત્રતામાં એવા પરિવારોનો સમાવેશ થઈ શકે છે, જેમાં પુખ્ત કમાતા સભ્યો અશક્ત હોય અથવા ગંભીર બીમારીથી પીડાતા હોય. ગંગાસ્વરૂપા બહેનો, વૃદ્ધ પેન્શન મેળવતા લાભાર્થીઓ, ફેરિયાઓ, ઘરવિહોણા પરિવારો અને રૂ. 20 હજારથી ઓછી આવક ધરાવતા પરિવારો પણ નિયમો અનુસાર આ કેટેગરીમાં લાભ માટે પાત્ર બની શકે છે.
સ્થળાંતરિત પરિવારો માટે રેશનની સુવિધા
‘વન નેશન, વન રેશનકાર્ડ’ હેઠળ અન્ય રાજ્ય કે જિલ્લાના રેશનકાર્ડધારકો રાજકોટમાંથી પોતાનું નિયત અનાજ મેળવી શકે છે. ઓક્ટોબરમાં અન્ય જિલ્લાના 15,374 અને અન્ય રાજ્યોના 2,576 લાભાર્થીઓએ આ સુવિધાનો ઉપયોગ કર્યો હતો.
કેન્દ્ર સરકારની સત્તાવાર માહિતી મુજબ, આ મફત અનાજ વિતરણ 1 જાન્યુઆરી, 2024થી પાંચ વર્ષ માટે ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. યોજનામાં અંત્યોદય પરિવાર માટે માસિક 35 કિલો અને અગ્રતા ધરાવતા લાભાર્થી માટે વ્યક્તિદીઠ 5 કિલો અનાજની જોગવાઈ છે.
