વિમાનના કોકપિટમાં રહેલું ટ્રાન્સપોન્ડર એર ટ્રાફિક કંટ્રોલ એટલે કે ATC સાથે મહત્વપૂર્ણ સંદેશાવ્યવહારનું કામ કરે છે. તેમાં દાખલ કરવામાં આવતા કેટલાક વિશેષ કોડથી પાઇલટ રેડિયો પર વિગતવાર વાત કર્યા વિના પણ વિમાનની સ્થિતિ અંગે જમીન પરના કંટ્રોલ રૂમને સંકેત આપી શકે છે.
7500 કોડ હાઇજેકનો સંકેત
ટ્રાન્સપોન્ડરમાં 7500 સેટ કરવામાં આવે તો તેનો અર્થ સામાન્ય રીતે વિમાન પર હાઇજેક અથવા ગેરકાયદેસર હસ્તક્ષેપ થયો હોવાનો થાય છે. આ કોડ ATC રડાર સિસ્ટમમાં વિશેષ ચેતવણી ઊભી કરે છે, જેથી કંટ્રોલર વિમાનને સામાન્ય ટ્રાફિકથી અલગ રીતે મોનિટર કરી શકે.
અમેરિકન Federal Aviation Administrationની પ્રક્રિયા મુજબ, જો પાઇલટ 7500 કોડ સેટ કરે તો ATC તેની પુષ્ટિ કરવા માટે પૂછે છે. પાઇલટ જવાબ ન આપે અથવા વધુ વાતચીત ન કરે તો પરિસ્થિતિને ગંભીરતાથી લઈને હાઇજેકની સંભાવના માનવામાં આવે છે. જોકે, આ કોડ ભૂલથી સેટ થઈ ગયો હોય તો પાઇલટ તેને સ્પષ્ટ કરી શકે છે.
7700 કોડ સામાન્ય ઇમરજન્સી માટે
7700 કોડનો ઉપયોગ વિમાનમાં ગંભીર ઇમરજન્સી હોય ત્યારે થાય છે. તેમાં એન્જિનની સમસ્યા, આગ, તબીબી કટોકટી અથવા સુરક્ષાને અસર કરતી અન્ય ગંભીર પરિસ્થિતિઓનો સમાવેશ થઈ શકે છે. આ કોડ સેટ થતાં રડાર પર ઇમરજન્સી સૂચક દેખાય છે અને ATC વિમાનને તાત્કાલિક મદદ આપવા માટે કાર્યવાહી શરૂ કરે છે.
7500 અને 7700 વચ્ચેનો તફાવત
સરળ ભાષામાં કહીએ તો 7500નો અર્થ ‘વિમાન પર ગેરકાયદેસર કબજો અથવા હાઇજેકની સ્થિતિ’ થાય છે, જ્યારે 7700નો અર્થ ‘વિમાન ગંભીર ઇમરજન્સીમાં છે અને તાત્કાલિક સહાયની જરૂર છે’ એવો થાય છે. બંને કોડનો હેતુ ATCનું ધ્યાન ઝડપથી દોરવાનો છે, પરંતુ તેમની પાછળની પરિસ્થિતિ અલગ હોય છે.
વિમાનમાં રેડિયો સંચાર ખોરવાઈ જાય તો સામાન્ય રીતે 7600 કોડનો ઉપયોગ થાય છે. એટલે 7500, 7600 અને 7700 ત્રણેય અલગ સંજોગો માટેના આંતરરાષ્ટ્રીય વિશેષ કોડ છે.
