મહારાષ્ટ્રમાં ૧૬ ઓક્ટોબર ૨૦૨૬થી તમામ શહેરી અને ગ્રામ્ય સ્થાનિક સંસ્થાઓમાં ઓછામાં ઓછો ૧૦ ટકા પાણીકાપ લાગુ થશે. રાજ્યમાં નબળા ચોમાસા, મર્યાદિત જળસંગ્રહ અને અલ નીનોની અસરને ધ્યાનમાં રાખીને જળસંપદા વિભાગે આ નિર્ણય લીધો છે. શહેરો અને વિસ્તારોમાં ઉપલબ્ધ પાણીના જથ્થા પ્રમાણે કપાત ૧૦ ટકાથી વધુ પણ થઈ શકે છે.
મુંબઈમાં ૧૬ મે ૨૦૨૬થી ૧૦ ટકા પાણીકાપ અમલમાં છે. રાજ્ય સરકારના નવા નિર્ણય બાદ મહાનગરપાલિકા, નગરપાલિકા અને ગ્રામ પંચાયતોને પાણી બચતના પગલાં અમલમાં મૂકવા સૂચના આપવામાં આવી છે.
પીવાના પાણી માટે ૩૧ ઓગસ્ટ ૨૦૨૭ સુધીનું આયોજન
જળસંપદા વિભાગે જળાશયો અને ડેમમાં ઉપલબ્ધ પાણીનું ડેમવાર તથા ઉપયોગવાર આયોજન ૩૧ ઓગસ્ટ ૨૦૨૭ સુધી કર્યું છે. પીવાના પાણીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવશે. દરેક ડેમમાં ૧૦ ટકા વધારાનો ઇમરજન્સી બફર જથ્થો જાળવવામાં આવશે. બાષ્પીભવન, કાંપ અને ગેરકાયદે પાણી ઉપાડને ધ્યાનમાં લીધા બાદ પણ પીવાના પાણીનો જથ્થો સુરક્ષિત રહે તે રીતે આયોજન કરાયું છે.
રાજ્ય જળસંપદા મંત્રી ગિરીશ મહાજને જણાવ્યું છે કે પીવાના પાણીની જરૂરિયાત પૂર્ણ થયા બાદ જ પશુધન અને ઘાસચારાને પાણી આપવામાં આવશે. ત્યારબાદ સિંચાઈ માટે પાણી છોડાશે. રવિ પાકોમાં અનાજ અને ઘાસચારાને પ્રથમ પ્રાધાન્ય મળશે. અન્ય રવિ પાકોને પછી પાણી અપાશે, જ્યારે બારમાસી પાકો માટે પાણી ઉપલબ્ધ હોય ત્યારે જ મંજૂરી આપવામાં આવશે.
લીકેજ અને ગેરકાયદે ઉપાડ સામે કાર્યવાહી
સ્થાનિક સંસ્થાઓને પાણીના લીકેજ અટકાવવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. ગટર શુદ્ધિકરણ પ્લાન્ટને સંપૂર્ણ ક્ષમતાથી ચલાવીને ટ્રીટમેન્ટ કરાયેલા પાણીનો ઉપયોગ બાગકામ, બાંધકામ, ધોવા અને અન્ય બિનપીવાલાયક કામોમાં કરવાની સૂચના છે.
ડેમ, નદી, નહેર અને અન્ય જળસ્રોતોમાંથી ગેરકાયદે પાણી ઉપાડ રોકવા માટે જળસંપદા, મહેસૂલ અને પોલીસ વિભાગની સંયુક્ત ટીમો પેટ્રોલિંગ કરશે. ગેરકાયદે પંપ, પાઇપલાઇન, વાહનો અને અન્ય સાધનો જપ્ત કરીને કાર્યવાહી કરવામાં આવશે.
ઉદ્યોગો માટે ૩૦ ટકા પાણીનું પુનઃઉપયોગ ફરજિયાત
રાજ્ય સરકારે ઉદ્યોગોને તેમના કુલ પાણી વપરાશમાંથી ઓછામાં ઓછા ૩૦ ટકા પાણીનું પુનઃઉપયોગ અથવા રિસાયક્લિંગ કરવાની સૂચના આપી છે. રાજ્યમાં ૨૬૫ તાલુકાઓમાં દુકાળ જાહેર કરાયા બાદ પાણીના જથ્થાના સંરક્ષણ માટે આ નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે.
