ભારત સરકારે વિદેશી નાગરિકો માટેની વિઝા વ્યવસ્થામાં ફેરફાર કરીને મુખ્ય કેટેગરીની સંખ્યા 13થી ઘટાડીને 9 કરી છે. પેટા-કેટેગરી હવે 49ને બદલે 23 રહેશે. ગૃહ મંત્રાલયના જણાવ્યા મુજબ, આ 23 પેટા-કેટેગરીનાં અરજી ફોર્મમાં ભરવાનાં ફીલ્ડ પણ 65થી 70 ટકા ઓછાં કરાયાં છે. હેતુ વિઝા અરજીને વધુ સરળ અને સ્પષ્ટ બનાવવાનો છે.
પ્રવાસી વિઝાનું નામ હવે Visitor Visa
નવી વ્યવસ્થામાં અગાઉના Tourist Visaનું નામ બદલીને Visitor Visa કરાયું છે. આ કેટેગરીમાં પ્રવાસ ઉપરાંત કેટલીક ટૂંકા ગાળાની પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થાય છે. V-1 વિઝા 30 દિવસ માટે બહુપ્રવેશ સાથે આપવામાં આવશે. તેમાં ટૂંકી મુલાકાતો ઉપરાંત બિઝનેસ મીટિંગ, તબીબી પરામર્શ, વેલનેસ રિટ્રીટ અને ટૂંકા ગાળાના અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે.
લાંબા ગાળાની મુલાકાત માટે V-2 વિઝા રહેશે, જેની માન્યતા 1, 5 અથવા 10 વર્ષ હોઈ શકે છે. પર્વતારોહણ માટે છ મહિનાનો બહુપ્રવેશ વિઝા આપવાની જોગવાઈ પણ છે.
નવ મુખ્ય કેટેગરીમાં કયા હેતુઓ આવરી લેવાયા?
નવી યાદીમાં બિઝનેસ, ડિપ્લોમેટિક, વર્ક, જર્નાલિસ્ટ, મેડિકલ, ઓફિશિયલ, સ્ટુડન્ટ, Visitor અને Miscellaneous વિઝાનો સમાવેશ થાય છે. વિદ્યાર્થી વિઝામાં શાળા અને ઉચ્ચ અભ્યાસ સાથે સંશોધન, ઇન્ટર્નશિપ, વિનિમય કાર્યક્રમો તથા યોગ, ભારતીય ભાષા અને સંગીત-નૃત્યના અભ્યાસનો સમાવેશ થાય છે. મેડિકલ વિઝા ભારત આવતાં દર્દીઓ અને તેમના સહાયકો માટે છે.
સરકારનું કહેવું છે કે કેટેગરીઓનું એકીકરણ કરીને એકબીજા સાથે overlap થતી જોગવાઈઓ ઘટાડવામાં આવી છે. નવી વ્યવસ્થા લાગુ કરવા ગૃહ મંત્રાલય IT સિસ્ટમ અપડેટ કરી રહ્યું છે. મંત્રાલયે વર્ષ 2026ના અંત સુધીમાં નવી ગોઠવણી મુજબ વિઝા આપવાનું શરૂ થવાની અપેક્ષા વ્યક્ત કરી છે.
