ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડે ખાદી અને પોલીવસ્ત્રની ખરીદી માટે 30 ટકા ખાસ બજાર પ્રોત્સાહન સહાય જાહેર કરી છે. આ સહાય 2 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર, 2026 સુધી લાગુ રહેશે. માન્ય સંસ્થાઓ અને મંડળીઓ દ્વારા ઉત્પાદિત વસ્તુઓની ખરીદી પર ગ્રાહકોને ખાદી વેચાણ કેન્દ્રો મારફતે આ લાભ મળશે.
આ નિર્ણયનો હેતુ સ્વદેશી ખાદી અને ગ્રામોદ્યોગ ઉત્પાદનોના વેચાણને પ્રોત્સાહન આપવાનો તેમજ આ ક્ષેત્ર સાથે જોડાયેલા કારીગરોને રોજગારીનો આધાર આપવાનો છે. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, આ પગલાથી આગામી તહેવારો અને સામાજિક પ્રસંગોમાં ખાદી તથા અન્ય સ્વદેશી ઉત્પાદનોની ખરીદી વધવાની અપેક્ષા છે.
કયા ઉત્પાદનો પર મળશે લાભ
સહાય યોજના હેઠળ આસન, શેતરંજી, રેશમ પટોળા, ઊની સ્વેટર, જર્સી, શાલ અને વિવિધ રેડિમેઇડ ગારમેન્ટ્સ સહિત ખાદી અને પોલીવસ્ત્રની વસ્તુઓનો સમાવેશ થાય છે. ખરીદી વખતે ગ્રાહકોએ માન્ય ખાદી સંસ્થા, મંડળી અથવા વેચાણ કેન્દ્રમાંથી જ વસ્તુ લેવી પડશે.
કારીગરોને રોજગારીનો આધાર
રાજ્યમાં ખાદીનું વેચાણ વધવાથી ખાદી અને ગ્રામોદ્યોગ ક્ષેત્ર સાથે જોડાયેલી સંસ્થાઓ તથા મંડળીઓની કામગીરીને વેગ મળવાની શક્યતા છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ, KVICનું પ્રમાણપત્ર ધરાવતી અને ખાદી બોર્ડના ઈ-કુટીર પોર્ટલ પર નોંધાયેલી અંદાજે 220થી વધુ માન્ય સંસ્થાઓ તથા મંડળીઓ આ પ્રવૃત્તિમાં જોડાયેલી છે. ઉત્પાદન સાથે સંકળાયેલા અંદાજે 16 હજારથી વધુ કાંતનાર અને વણનાર કારીગરોને તેનો લાભ મળવાનો દાવો કરવામાં આવ્યો છે.
ત્રણ શહેરોમાં પ્રદર્શન-સહ-વેચાણ મેળા
ખાદીના વેચાણને પ્રોત્સાહન આપવા રાજ્યના કેટલાક શહેરોમાં પ્રદર્શન-સહ-વેચાણ મેળાનું આયોજન કરાયું છે. અમદાવાદમાં 2થી 7 ઓક્ટોબર દરમિયાન ગૂર્જરાત વિદ્યાપીઠ ખાતે મેળો યોજાશે. ભરૂચમાં 1થી 10 ઓક્ટોબર અને વડોદરામાં 11થી 17 ઓક્ટોબર દરમિયાન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
સરકારે નાગરિકોને આ મેળાઓની મુલાકાત લઈ સ્વદેશી ખાદી ઉત્પાદનોની ખરીદી કરવા અપીલ કરી છે. 30 ટકા સહાયનો લાભ મેળવવા માટે ખરીદીની તારીખ અને વેચાણ કેન્દ્ર યોજના હેઠળ આવતાં હોવાની ખાતરી કરવી જરૂરી રહેશે.
