ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા રાજ્યના 56 ST બસ સ્ટેશનો પર શૌચાલય બ્લોકના રિપેરિંગ અને આધુનિકીકરણ માટે વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. મુસાફરોને સ્વચ્છ અને પાયાની સુવિધાઓ મળી રહે તે માટે આ કામગીરી હાથ ધરાઈ છે.

અત્યાર સુધીમાં 6 બસ સ્ટેશનો પર શૌચાલય અપગ્રેડેશનનું કામ પૂર્ણ થયું છે, જ્યારે 17 સ્ટેશનો પર કામગીરી ચાલી રહી છે. બાકીના 33 બસ સ્ટેશનોમાં આગામી 12 મહિનામાં કામ પૂર્ણ કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે.

છ બસ સ્ટેશનો પર કામગીરી પૂર્ણ

પૂર્ણ થયેલા સ્ટેશનોમાં સાવરકુંડલા, વાંસદા, ધંધુકા, ઉમરાળા, પાલિતાણા અને ઢસા બસ સ્ટેશનનો સમાવેશ થાય છે. અન્ય 17 સ્થળોએ રિપેરિંગ અને નવીનીકરણનું કામ પ્રગતિ હેઠળ હોવાનું જણાવાયું છે.

શૌચાલયોમાં કઈ સુવિધાઓ ઉમેરાશે?

અપગ્રેડેશન હેઠળ નવા વેસ્ટર્ન અને ઇન્ડિયન WC, આધુનિક યુરિનલ, સુધારેલી ડ્રેનેજ સિસ્ટમ અને પૂરતી પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવાશે. વિવિધ સ્થળોની જરૂરિયાત પ્રમાણે પ્લમ્બિંગ, બારી-દરવાજાની મરામત, ફ્લોરિંગ, ઇલેક્ટ્રિફિકેશન અને રંગકામ પણ કરવામાં આવશે.

મહિલા મુસાફરોને ધ્યાનમાં રાખીને જરૂરી સ્થળોએ વધારાના મહિલા WC અને અન્ય સુવિધાઓ ઊભી કરવાની યોજના છે. લાંબા અંતરની મુસાફરી કરતા મુસાફરો ઉપરાંત મહિલાઓ અને વડીલો માટે બસ સ્ટેશનોની સ્વચ્છતા અને શૌચાલય સુવિધા મહત્વપૂર્ણ ગણાય છે.

QR કોડથી ફરિયાદ નોંધાવવાની વ્યવસ્થા

સ્વચ્છતા અથવા શૌચાલયની સુવિધામાં ખામી જણાય તો મુસાફરો QR કોડ સ્કેન કરીને ફરિયાદ નોંધાવી શકશે. આ માટે ‘મુસાફર સેવા સેતુ’ એપ આધારિત વ્યવસ્થા કાર્યરત કરવામાં આવી છે. ફરિયાદ સંબંધિત તંત્ર સુધી પહોંચે તે રીતે આ ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરવામાં આવશે.

આ પહેલથી બસ સ્ટેશનો પરની સ્વચ્છતા અંગેની ફરિયાદો ઝડપથી નોંધાવી અને તેના નિવારણ પર નજર રાખી શકાશે. 56 બસ સ્ટેશનો પરની કામગીરી પૂર્ણ થયા બાદ મુસાફરોને વધુ સુવ્યવસ્થિત અને ઉપયોગી શૌચાલય સુવિધા મળવાની અપેક્ષા છે.