ગુજરાત સરકારે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ માટે વાહન ખરીદીની નીતિમાં ફેરફાર કર્યો છે. 3 ઓક્ટોબર, 2026ના આદેશ મુજબ હવે અધિકારીના હોદ્દા અને કામગીરી પ્રમાણે કઈ કેટેગરીનું વાહન ખરીદી શકાય તે નક્કી રહેશે. નવી નીતિમાં મંત્રીઓ, મુખ્ય સચિવથી લઈને કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિકારી, વિભાગીય વડા અને ફિલ્ડ સ્ટાફ માટે અલગ કેટેગરી બનાવવામાં આવી છે.

નવી જોગવાઈનો હેતુ સરકારી વાહન ખરીદીમાં એકરૂપતા જાળવવાનો અને વિભાગો દ્વારા મનસ્વી રીતે મોડલ પસંદ ન થાય તે સુનિશ્ચિત કરવાનો છે. નીતિમાં પેટ્રોલ અને ડીઝલ વાહનોની સાથે કેટલાક ઈલેક્ટ્રિક વાહનોને પણ વિકલ્પ તરીકે સામેલ કરવામાં આવ્યા છે.

મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ માટે Innova કેટેગરી

કેટેગરી-Aમાં મંત્રીઓ, રાજ્ય કક્ષાના મંત્રીઓ અને મુખ્ય સચિવનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કેટેગરીમાં Toyota Innova Crystaના 2.7 ZX-7 સીટર પેટ્રોલ, 2.4 ZX AT-7 સીટર ડીઝલ અને 2.4 ZX MT-7 સીટર ડીઝલ મોડલ મંજૂર કરાયા છે. Toyota Innova Hycross Hybrid પણ આ કેટેગરીમાં સામેલ છે.

VVIP State Guests માટેની કેટેગરી-A1માં ઉપરોક્ત Innova Crysta મોડલ ઉપરાંત Hyundai Elantra VTVT SXનો પણ સમાવેશ કરાયો છે.

કેટેગરી-Bમાં વિવિધ બંધારણીય સંસ્થાઓ, બોર્ડ, કોર્પોરેશન અને કમિશનના ચેરમેન, ACS, PS, Secretary, MD અથવા CEO, સચિવ કક્ષાના વડા અને ગુજરાત જાહેર સેવા આયોગના સભ્યોનો સમાવેશ થાય છે. આ અધિકારીઓ માટે Innova Crystaના 2.7 VX MT-7 સીટર પેટ્રોલ અને 2.4 VX MT-7 સીટર ડીઝલ મોડલ, Hyundai Elantra VTVT SX તથા Toyota Innova Hycross Hybrid મંજૂર છે.

કલેક્ટરથી વિભાગીય વડા સુધીની કેટેગરી

કલેક્ટર, DDO, SP અને જિલ્લા કક્ષાના અધિકારીઓ માટેની કેટેગરીમાં Toyota Innova Crystaના 2.4 GX MT-7 સીટર ડીઝલ, 2.7 GX MT-7 સીટર પેટ્રોલ, G Plus 8-સીટર ડીઝલ અને G Plus 7-સીટર ડીઝલ મોડલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત Toyota Innova Hycross પેટ્રોલ GX 8S પણ મંજૂર કરાયું છે.

HOD, Director અથવા સમકક્ષ HOD, CEO અને MD માટેની કેટેગરી-Dમાં Maruti Suzuki Ciaz SHVS Petrol Alpha MT, Hyundai Creta 1.5 S Diesel, Mahindra XUV 300 W6 Petrol, Maruti XL6 Smart Hybrid Alpha અને Tata Tigor EV XEનો સમાવેશ થાય છે.

સરકારી કચેરીના સ્ટાફ માટેની કેટેગરી-Eમાં Maruti Suzuki Ertiga SHVS LXI Petrol, Maruti Suzuki Dzire VXI Petrol, Mahindra Bolero B4 Diesel, Honda Amaze VMT Petrol BS-VI, Tata Nexon XMA (P) અને Tata Tigor EV XE મંજૂર કરાયા છે.

ફિલ્ડ અને એન્ફોર્સમેન્ટ વાહનો માટે અલગ જોગવાઈ

ફિલ્ડ ઈન્સ્પેક્શન અને એન્ફોર્સમેન્ટ માટેની કેટેગરી-Fમાં Mahindra Scorpio N Z4 4X4, Mahindra Thar Roxx MX5, Mahindra Bolero Neo N10 (O), Kia Carens Clavis HTE (O), Maruti Suzuki Ertiga ZXI Plus અને Toyota Rumion Vનો સમાવેશ થાય છે. આ કેટેગરીમાં Mahindra XUV400 EL Pro અને Tata Nexon EV Creative જેવા ઈ-વાહનો પણ સામેલ છે.

કેટેગરી-F1 ખાસ કરીને રસ્તા પર ફરજ બજાવતા અધિકારીઓ માટે લાગુ પડશે. તેમાં Home, Forest & Environment, Industries & Mines, Narmada/Water Resources/Water Supply & Kalpasar, Panchayats & Rural Housing, Ports & Transport, Roads & Buildings અને Revenue Departmentનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કેટેગરીમાં F હેઠળના વાહનો ઉપરાંત Tata Yodha Pickup, Isuzu V-Cross 4WD Z, Mahindra Bolero Pick-Up 4WD અને Mahindra Bolero Camper Gold RX 4WD મંજૂર કરાયા છે.

GeM પરથી ખરીદી અને જૂના વાહન અંગે નિયમ

નવી નીતિ મુજબ તમામ પ્રકારના સરકારી વાહનોની ખરીદી Government e-Marketplace એટલે કે GeM પરથી કરવાની રહેશે. વાહન ખરીદીના હુકમની નકલ બંદરો અને વાહન વ્યવહાર વિભાગને મોકલવાની રહેશે. જો કોઈ મંજૂર મોડલ GeM પર ઉપલબ્ધ ન હોય તો પણ વિભાગ પોતાની રીતે અન્ય મોડલ ખરીદી શકશે નહીં. આવી સ્થિતિમાં નીતિમાં દર્શાવેલી પ્રક્રિયા અનુસરવી પડશે.

સંબંધિત વાહન GeM પર ઉપલબ્ધ છે કે નહીં તે અંગે OEM પાસેથી Undertaking લેવાનું રહેશે. સાથે જ જૂનું વાહન રિપેર કરીને ઉપયોગમાં લઈ શકાય તેમ હોય તો માત્ર નવું વાહન ખરીદવા માટે મંજૂરી આપવામાં આવશે નહીં. નવા વાહનની જરૂરિયાત અંગે યોગ્ય કારણો અને આધાર રજૂ કર્યા બાદ જ ખરીદીની કાર્યવાહી કરી શકાશે.

સરકારી વાહનોને નિવૃત્ત અથવા ડિસ્પોઝ કરવા અંગે સરકાર દ્વારા સમયાંતરે બહાર પાડવામાં આવતા નિયમો અને માર્ગદર્શિકાનું પાલન કરવાનું પણ તમામ વિભાગોને જણાવાયું છે.