ગુજરાત સરકારે રાજ્યના ઉદ્યોગો, ખાસ કરીને MSME એકમો અને સ્ટાર્ટઅપ્સને નિકાસ માટે માર્ગદર્શન આપવા ‘ગુજરાત એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ’ (GEPC) સ્થાપવાની મંજૂરી આપી છે. 3 નવેમ્બર, 2026ના ઠરાવ મુજબ, આ સંસ્થા ઉદ્યોગ અને ખાણ વિભાગ હેઠળ કંપની અધિનિયમ, 2013ની કલમ 8 અંતર્ગત રાજ્ય સરકારની સંપૂર્ણ માલિકીની બિનનફાકારક પ્રાઇવેટ લિમિટેડ કંપની તરીકે રચાશે. તેનું રજિસ્ટર્ડ કાર્યાલય ગાંધીનગરમાં રહેશે.

GEPCનો હેતુ રાજ્યમાં બનતી ચીજવસ્તુઓ અને સેવાઓને વિદેશી બજારો સુધી પહોંચાડવા માટે એક સંકલિત સહાયમાળખું ઊભું કરવાનો છે. બજારની માંગ, નિકાસની પ્રક્રિયા, આંતરરાષ્ટ્રીય નિયમો અને જરૂરી પ્રમાણપત્રોની જાણકારીના અભાવે નાના ઉદ્યોગોને નિકાસમાં મુશ્કેલી પડી શકે છે. કાઉન્સિલ આવા ઉદ્યોગોને બજાર ઓળખવા, પ્રવેશની વ્યૂહરચના ઘડવા, વ્યવસાયિક સલાહ લેવા અને માર્ગદર્શન મેળવવામાં મદદ કરશે.

તાલીમથી લઈને નિકાસી સહાય સુધી

ઉદ્યોગસાહસિકો અને નિકાસકારોની તૈયારી વધારવા તાલીમ, વર્કશોપ, સેમિનાર અને કૌશલ્ય વિકાસ કાર્યક્રમો યોજવાની યોજના છે. સરકારી સંસ્થાઓ અને વેપારી સંગઠનોના સહયોગથી દેશ-વિદેશના વેપાર મેળા તથા માર્કેટિંગ કાર્યક્રમોમાં ભાગ લેવાની તકો પણ ઊભી કરાશે.

ઠરાવમાં ડિજિટલ ટ્રેડ પ્લેટફોર્મ, નિકાસકારો માટેનું પોર્ટલ, કોમન ફેસિલિટી સેન્ટર, ઇન્ક્યુબેશન સેન્ટર, પરીક્ષણ અને પ્રમાણપત્ર સુવિધાઓ તથા લોજિસ્ટિક્સ સહાય વિકસાવવાનો ઉદ્દેશ દર્શાવાયો છે. ઉત્પાદનની ગુણવત્તાની ચકાસણી, આંતરરાષ્ટ્રીય પ્રમાણપત્રો, ટ્રેડ ફાઇનાન્સ, વીમા અને સપ્લાય ચેઇન સંબંધિત સહયોગ પણ કાર્યક્ષેત્રમાં આવરી લેવાશે. બજારની માહિતી, વેપાર વિશ્લેષણ, ઉત્પાદન વિકાસ, બ્રાન્ડિંગ અને વિદેશી નિયમોના પાલન અંગે પણ માર્ગદર્શન આપવાનું આયોજન છે.

જિલ્લા સ્તરે નિકાસ આયોજન

નિકાસની તકોને મોટા ઔદ્યોગિક કેન્દ્રો પૂરતી મર્યાદિત ન રાખવા દરેક જિલ્લા માટે અલગ ડિસ્ટ્રિક્ટ એક્સપોર્ટ પ્રમોશન પ્લાન તૈયાર કરીને સમયાંતરે સુધારવાની જોગવાઈ છે. જિલ્લાવાર ઉત્પાદન ક્ષમતા, સ્થાનિક ઉદ્યોગોની વિશેષતા, બજારની માંગ અને નિકાસની સંભાવનાઓનું મૂલ્યાંકન કરાશે. જિલ્લા એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (DEPC) તથા અન્ય પ્રાદેશિક અને ક્ષેત્રવાર સંસ્થાઓ મારફતે સ્થાનિક પ્રવૃત્તિઓનું સંકલન અને દેખરેખ રાખવાની યોજના છે.

ગુજરાતી ઉત્પાદનોને વિદેશમાં ઓળખ અપાવવા વૈશ્વિક બ્રાન્ડિંગ અને માર્કેટિંગ અભિયાનો હાથ ધરાશે. નિકાસ વધારવા ઉપરાંત, આયાત પર આધારિત મહત્ત્વનાં ક્ષેત્રો ઓળખીને સ્થાનિક વિકલ્પો વિકસાવવા ઉત્પાદકોને ટેક્નિકલ, નાણાકીય અને સલાહકારી સહાય આપવાનો પણ ઉદ્દેશ છે. નિકાસ પ્રક્રિયામાં AI, બ્લોકચેઇન અને ડિજિટલ ટેક્નોલોજી અપનાવવા, પર્યાવરણને અનુકૂળ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા તથા પેટન્ટ, ટ્રેડમાર્ક અને કૉપિરાઇટ જેવા બૌદ્ધિક સંપદા અધિકારો અંગે માર્ગદર્શન આપવાનું પણ પ્રસ્તાવિત છે.

માલિકી અને સંચાલન

કંપનીની શરૂઆતની અધિકૃત મૂડી અને પેઇડ-અપ મૂડી રૂ. 1 લાખ નક્કી કરાઈ છે. તેની 100 ટકા શેર મૂડી ગુજરાતના રાજ્યપાલના નામે રાજ્ય સરકારના અધિકૃત નોમિનીઓ પાસે રહેશે. કાયદાકીય જોગવાઈઓ મુજબ GEPC ભવિષ્યમાં ભંડોળ ઊભું કરી શકશે અને બેન્કો તથા નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન લઈ શકશે.

બોર્ડમાં ઓછામાં ઓછા ત્રણ અને વધુમાં વધુ 15 સભ્યો રહેશે. મુખ્ય સચિવ બોર્ડના અધ્યક્ષ, ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ/અગ્ર સચિવ/સચિવ ઉપાધ્યક્ષ અને ઉદ્યોગ કમિશનર મેનેજિંગ ડિરેક્ટર રહેશે. બંદરો અને વાહનવ્યવહાર, કુટિર અને ગ્રામોદ્યોગ, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ સહિતના વિભાગો તથા GIDC, iNDEXTb અને ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડના પ્રતિનિધિઓનો પણ બોર્ડમાં સમાવેશ થશે.

GEPCની સ્થાપનાનો વિચાર નિકાસને રાજ્યના ઔદ્યોગિક વિકાસના આધારસ્તંભ તરીકે આગળ ધપાવવાની ભલામણો સાથે જોડાયેલો છે. ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મેશન (GRIT)એ મે 2025માં કાઉન્સિલ અંગે અહેવાલ તૈયાર કર્યો હતો; ત્યારબાદ ઉદ્યોગ કમિશનરેટની દરખાસ્તને રાજ્ય સરકારે મંજૂરી આપી.