ગાંધીનગર: ગુજરાતના તમામ 31 જિલ્લામાં કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) યોજના 1 ઓક્ટોબર, 2026થી સંપૂર્ણ રીતે લાગુ થશે. કેન્દ્રના શ્રમ અને રોજગાર મંત્રાલયે 25 સપ્ટેમ્બરે જાહેર કરેલી સૂચના બાદ આ વિસ્તરણ અમલમાં આવશે. તેના પગલે 8થી 10 લાખ વધારાના શ્રમિકો અને તેમના પરિવારજનોને સામાજિક સુરક્ષા યોજનાનો લાભ મળવાની અપેક્ષા છે.
રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયાના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં ESIC હેઠળ નોંધાયેલા શ્રમિકોની સંખ્યા હાલની આશરે 21.7 લાખથી વધીને લગભગ 32 લાખ થઈ શકે છે. શ્રમિકો અને તેમના પરિવારજનો સહિત કુલ લાભાર્થીઓની સંખ્યા આશરે 1.20 કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે.
15 જિલ્લાઓમાં પ્રથમવાર સંપૂર્ણ અમલ
અમરેલી, અરવલ્લી, બનાસકાંઠા, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ, મહિસાગર, નર્મદા, પાટણ, તાપી અને વાવ-થરાદમાં ESIC યોજના સંપૂર્ણ વિસ્તાર માટે પ્રથમવાર લાગુ થશે.
આ ઉપરાંત અમદાવાદ, આણંદ, ભરૂચ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ખેડા, મહેસાણા, મોરબી, નવસારી, પંચમહાલ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરત અને સુરેન્દ્રનગરમાં અગાઉ આંશિક રીતે લાગુ જોગવાઈઓ હવે સમગ્ર જિલ્લામાં અમલમાં આવશે.
શ્રમિકોને મળનારા મુખ્ય લાભ
યોજનાના પાત્ર શ્રમિકોને કેશલેસ સારવાર, બીમારી દરમિયાન રોકડ સહાય, પ્રસૂતિ લાભ અને અશક્તતા સહાય સહિતની સુવિધાઓ મળશે. રાજ્યમાં હાલ 103 ESIC ડિસ્પેન્સરી અને 11 ESIC અથવા ESIS હોસ્પિટલ કાર્યરત હોવાનું જણાવાયું છે. પ્રાથમિક આરોગ્યસેવા માટે 234 કમ્યુનિટી હેલ્થ સેન્ટર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને પણ જોડવામાં આવ્યા છે.
1 ઓક્ટોબરથી સંબંધિત સંસ્થાઓમાં નોકરીદાતા અને કર્મચારીના યોગદાનની જોગવાઈ લાગુ થશે અને પાત્ર કર્મચારીઓને ESIC સંબંધિત લાભો મળવા લાગશે.
