ગુજરાતમાં કર્મચારી રાજ્ય વીમા યોજના (ESI)નો વિસ્તાર હવે રાજ્યના તમામ જિલ્લાઓ સુધી કરવામાં આવશે. કેન્દ્ર સરકારની ગેઝેટ સૂચના મુજબ 1 ઓક્ટોબર, 2026થી ગુજરાતના 31 જિલ્લાઓમાં યોજનાના યોગદાન અને લાભ સંબંધિત જોગવાઈઓ લાગુ પડશે.

આ નિર્ણયથી અત્યાર સુધી ESI હેઠળ આવરી ન લેવાયેલા 15 જિલ્લાઓ અને આંશિક રીતે આવરી લેવાયેલા 16 જિલ્લાઓના સંબંધિત સંસ્થાનોના કર્મચારીઓ યોજનાના દાયરામાં આવશે. આવા કર્મચારીઓ અને તેમના નોકરીદાતાઓ પાસેથી કાયદા મુજબ યોગદાન લેવામાં આવશે. પાત્ર કર્મચારીઓને Employees’ State Insurance Corporation (ESIC) હેઠળના તબીબી અને અન્ય લાભો મળવા પાત્ર બનશે.

15 જિલ્લાઓમાં પ્રથમવાર સંપૂર્ણ અમલ

બિનઆવરીત જિલ્લાઓમાં અમરેલી, અરવલ્લી, બનાસકાંઠા, બોટાદ, છોટાઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ, મહિસાગર, નર્મદા, પાટણ, તાપી અને વાવ-થરાદનો સમાવેશ થાય છે.

16 જિલ્લાઓમાં વિસ્તાર

આંશિક રીતે આવરી લેવાયેલા જિલ્લાઓમાં અમદાવાદ, આણંદ, ભરૂચ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ખેડા, મહેસાણા, મોરબી, નવસારી, પંચમહાલ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરત અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં અત્યાર સુધી યોજનાનો અમલ કેટલાક વિસ્તારો અથવા સંસ્થાઓ પૂરતો મર્યાદિત હતો.

કેન્દ્ર સરકારની 25 સપ્ટેમ્બર, 2026ની સૂચના મુજબ 1 ઓક્ટોબરથી સંબંધિત સંસ્થાઓ માટે યોગદાન ચૂકવવાની જવાબદારી અને પાત્ર કર્મચારીઓ માટે ESIC લાભોની જોગવાઈ અમલમાં આવશે.