રાજ્યના યુવક-યુવતીઓ માટે ડિસેમ્બર 2026માં ‘ગુજરાત આરોહણ-અવરોહણ સ્પર્ધા’ યોજવાનું આયોજન કરાયું છે. કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા યોજાનારી આ સ્પર્ધામાં ભાગ લેવા 14થી 35 વર્ષની વયના ઉમેદવારો 20 નવેમ્બર, 2026 સુધીમાં અરજી કરી શકશે. સ્પર્ધા એક દિવસીય રહેશે અને વયજૂથ પ્રમાણે અલગ પર્વતો પર યોજાશે.

જુનિયર અને સિનિયર માટે અલગ સ્થળ

14થી 18 વર્ષના યુવક-યુવતીઓ માટે જુનિયર વિભાગની સ્પર્ધા રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક ઓસમ પર્વત, સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પર્વત અને સાબરકાંઠા જિલ્લાના ઈડરિયો પર્વત પર યોજાશે. 19થી 35 વર્ષની વયના સ્પર્ધકો માટે સિનિયર વિભાગની સ્પર્ધા પંચમહાલ જિલ્લાના પાવાગઢ પર્વત અને વલસાડ જિલ્લાના પારનેરા ડુંગર પર રાખવામાં આવી છે.

ફોર્મ ક્યાંથી મેળવવું અને ક્યાં જમા કરાવવું?

ઇચ્છુક ઉમેદવારો પોતાના સંબંધિત જિલ્લાની જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીમાંથી અરજી ફોર્મ મેળવી શકશે. ફોર્મમાં જરૂરી વિગતો ભરીને આધાર-પુરાવા સાથે જમા કરાવવાનું રહેશે. અરજી રાજકોટ, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, પંચમહાલ અથવા વલસાડના જિલ્લા વિકાસ અધિકારી તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીમાં 20 નવેમ્બર, 2026 સુધીમાં પહોંચાડવાની રહેશે.

સ્પર્ધામાં ભાગ લેવા માટે નિયત સ્થળે આવવા-જવાનો ખર્ચ સ્પર્ધકોએ પોતે ભોગવવાનો રહેશે. જોકે, સ્પર્ધા દરમિયાન નિવાસ અને ભોજનની વ્યવસ્થા રહેશે. ભાગ લેનારા તમામ સ્પર્ધકોને રાજ્ય સરકાર તરફથી પ્રમાણપત્ર અપાશે. પસંદગી પામેલા સ્પર્ધકોને સંબંધિત કચેરી દ્વારા જાણ કરવામાં આવશે. વધુ વિગતો માટે ઉમેદવારો પોતાના જિલ્લાના જિલ્લા યુવા વિકાસ અધિકારીનો સંપર્ક કરી શકે છે.