ગુજરાત સરકાર મીઠું પકવતા અગરિયા પરિવારો માટે સોલાર પેનલ અને પાણીની ટાંકી ધરાવતાં પોર્ટેબલ આવાસ આપવાની યોજના અમલમાં મૂકશે. પ્રથમ તબક્કામાં 2,500 પરિવારોને આવરી લેવા ₹25 કરોડ ખર્ચાશે. રાજ્યકક્ષાના શ્રમ અને રોજગાર મંત્રી કાંતિ અમૃતિયાએ આ માહિતી આપી હતી. યોજનાનો અમલ ગુજરાત ગ્રામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ કરશે.
એક આવાસ પાછળ ₹1 લાખ ખર્ચ થવાનો અંદાજ છે. 2026માં 2,500 આવાસ બનાવવાની અને 2027માં વધુ 2,500 આવાસ આપવાની યોજના છે. આમ, બંને તબક્કા માટે કુલ ₹50 કરોડનું બજેટ ફાળવાયું છે. અગરિયા ઓળખકાર્ડ ધરાવતા પરિવારો પાસેથી આગામી દિવસોમાં ફોર્મ ભરાવાશે.
આવાસમાં કઈ સુવિધાઓ હશે?
દરેક પોર્ટેબલ આવાસનું માપ 15 × 10 × 8.6 ફૂટ રહેશે. તેમાં પેન્ટ્રી કાઉન્ટર ઉપરાંત ટોઇલેટ અને બાથરૂમ બ્લોક હશે. પાણી માટે 509 લિટરની ઓવરહેડ ટાંકી આપવામાં આવશે.
વીજળીની સુવિધા માટે આવાસમાં 1 kVAની ઑફ-ગ્રીડ સોલાર ફોટોવોલ્ટેઇક સિસ્ટમ, 220 V આઉટપુટ ધરાવતું ઇન્વર્ટર અને 12 V બેટરી હશે. આ વ્યવસ્થા રણ વિસ્તારમાં વીજળીની ઉપલબ્ધતા ઓછી હોય ત્યાં ઉપયોગી બને તે હેતુથી યોજનામાં સામેલ કરાઈ છે.
અગરિયા પરિવારો રણમાં પરંપરાગત રીતે મીઠું પકવે છે. ત્યાં પાકાં મકાન, પીવાનું પાણી, જાહેર પરિવહન, શાળાઓ અને આરોગ્યસેવાઓ જેવી સુવિધાઓનો અભાવ હોવાનું જણાવાયું છે. હાલ ઘણા પરિવારો કંતાનનાં ઝૂંપડાંમાં રહે છે. નવા આવાસથી તેમને રહેવા માટે વધુ સુવિધાજનક માળખું મળશે. રણમાં બસ-શાળા, પીવાના પાણીનાં ટાંકા અને મધ્યાહન ભોજન યોજના જેવી પહેલો પણ ચલાવવામાં આવી રહી છે.
