કેન્દ્ર સરકારે Pollution Under Control (PUC) પ્રમાણપત્રની માન્યતાનો સમયગાળો વાહનના ઉત્સર્જન ધોરણ, પ્રકાર અને ઉંમર પ્રમાણે બદલ્યો છે. નવા નિયમો હેઠળ, પ્રથમ નોંધણીથી છ વર્ષ સુધીનાં BS-VI ખાનગી (નોન-ટ્રાન્સપોર્ટ) વાહનોનું PUC પ્રમાણપત્ર ત્રણ વર્ષ માન્ય રહેશે. એટલે આવા વાહનમાલિકોને દર વર્ષે પ્રમાણપત્ર રિન્યૂ કરાવવાની જરૂર નહીં પડે.

વાહનની ઉંમર પ્રમાણે માન્યતા

છ વર્ષથી વધુ અને 10 વર્ષ સુધીનાં BS-VI ખાનગી વાહનો માટે PUC એક વર્ષ માન્ય રહેશે; 10 વર્ષથી જૂનાં વાહનો માટે છ મહિના. ટ્રાન્સપોર્ટ તરીકે નોંધાયેલાં BS-VI વાહનોમાં છ વર્ષ સુધીની ઉંમર માટે માન્યતા બે વર્ષની રહેશે. છ વર્ષથી વધુ અને 10 વર્ષ સુધીનાં ટ્રાન્સપોર્ટ વાહનો માટે તે એક વર્ષ, જ્યારે 10 વર્ષથી જૂનાં વાહનો માટે છ મહિના રહેશે.

બીજા ઉત્સર્જન ધોરણો માટે પણ સમયગાળો નક્કી કરાયો છે: BS-I, BS-II અને BS-III વાહનો માટે ત્રણ મહિના તથા BS-IV વાહનો માટે છ મહિના. આ ફેરફાર Central Motor Vehicles Rules, 1989ના નિયમ 115(7)માં સુધારા દ્વારા કરાયો છે.

જૂનાં પ્રમાણપત્રોનું શું?

નિયમો અમલમાં આવ્યા તે પહેલાં જારી થયેલાં PUC પ્રમાણપત્રોની માન્યતા તરત બદલાશે નહીં. નવો સમયગાળો એ પ્રમાણપત્રના નિયમો અમલમાં આવ્યા પછીના પ્રથમ રિન્યૂઅલથી લાગુ થશે. હાલનું પ્રમાણપત્ર પૂરું થવાના 10 દિવસ પહેલાં રિન્યૂઅલ માટે અરજી કરાય તો નવું પ્રમાણપત્ર જૂની માન્યતા પૂરી થાય તે તારીખથી ગણાશે. પ્રમાણપત્રની મુદત પૂરી થયા પછી રિન્યૂઅલ કરાવાય તો નવી માન્યતા રિન્યૂઅલની તારીખથી શરૂ થશે.