મુંબઈના બાંદ્રા ટર્મિનસના પ્લેટફોર્મ નંબર 5 પર સિમેન્ટ કોંક્રિટ (CC) એપ્રનના સમારકામ અને પુનઃનિર્માણ માટે 1 ડિસેમ્બર, 2026થી 13 ફેબ્રુઆરી, 2027 સુધી 75 દિવસનો ટ્રાફિક બ્લોક રહેશે. પશ્ચિમ રેલવેના આ કામને કારણે ગુજરાત અને રાજસ્થાન તરફથી આવતી-જતી 9 એક્સપ્રેસ ટ્રેનોના પ્રારંભિક અથવા અંતિમ સ્ટેશનમાં કામચલાઉ ફેરફાર થશે. મુસાફરોએ ટિકિટ પર દર્શાવેલા સ્ટેશનને બદલે સુધારેલા ટર્મિનલની ખાસ નોંધ લેવી પડશે.
કચ્છ એક્સપ્રેસની ટ્રેનો દાદર અને બોરીવલી સુધી
ટ્રેન નંબર 22956 ભુજ–બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ 30 નવેમ્બર, 2026થી 12 ફેબ્રુઆરી, 2027 સુધી બાંદ્રા ટર્મિનસને બદલે દાદર સ્ટેશન પર મુસાફરી પૂરી કરશે. તેની પરત ટ્રેન નંબર 22955 બાંદ્રા ટર્મિનસ–ભુજ એક્સપ્રેસ 1 ડિસેમ્બરથી 13 ફેબ્રુઆરી સુધી બાંદ્રાને બદલે દાદરથી ઉપડશે. આ ટ્રેનનો દાદરથી ઉપડવાનો સમય સાંજે 17:40 કલાકનો રહેશે.
ટ્રેન નંબર 22904 ભુજ–બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ 30 નવેમ્બરથી 11 ફેબ્રુઆરી સુધી બાંદ્રા ટર્મિનસ સુધી નહીં જાય; તે બોરીવલી સ્ટેશન પર જ મુસાફરી પૂરી કરશે. એટલે કચ્છથી મુંબઈ જતા મુસાફરોએ પોતાની ટ્રેન કયા સ્ટેશને પહોંચશે તે તારીખ પ્રમાણે ચકાસવું જરૂરી છે.
દાદરની જગ્યાએ બાંદ્રાથી ઉપડશે કેટલીક ટ્રેનો
અજમેર–દાદર એક્સપ્રેસ (12990) 2 ડિસેમ્બરથી 12 ફેબ્રુઆરી સુધી દાદરને બદલે બાંદ્રા ટર્મિનસ પર મુસાફરી પૂરી કરશે. તેની પરત ટ્રેન 12989 દાદર–અજમેર એક્સપ્રેસ 3 ડિસેમ્બરથી 13 ફેબ્રુઆરી સુધી દાદરને બદલે બાંદ્રા ટર્મિનસથી બપોરે 14:55 કલાકે ઉપડશે.
શ્રી ગંગાનગર–દાદર એક્સપ્રેસ (12489) 1 ડિસેમ્બરથી 9 ફેબ્રુઆરી સુધી બાંદ્રા ટર્મિનસ પર ટર્મિનેટ થશે. પરત ટ્રેન 12490 દાદર–શ્રી ગંગાનગર એક્સપ્રેસ 2 ડિસેમ્બરથી 10 ફેબ્રુઆરી સુધી બાંદ્રા ટર્મિનસથી બપોરે 14:55 કલાકે ઉપડશે.
ભગત કી કોઠી–દાદર એક્સપ્રેસ (20483) 30 નવેમ્બરથી 11 ફેબ્રુઆરી સુધી બાંદ્રા ટર્મિનસ પર પહોંચશે. તેની પરત ટ્રેન 20484 દાદર–ભગત કી કોઠી એક્સપ્રેસ 1 ડિસેમ્બરથી 12 ફેબ્રુઆરી સુધી બાંદ્રા ટર્મિનસથી બપોરે 14:55 કલાકે ઉપડશે. રેલવે દ્વારા મુસાફરોને ફેરફારો અને લાગુ તારીખો ધ્યાનમાં રાખીને મુસાફરીનું આયોજન કરવા જણાવાયું છે.
