Air India અને Air India Expressે જેદ્દાહ, દમ્મામ અને રિયાધ જતી તેમજ ત્યાંથી આવતી તમામ ફ્લાઇટ્સ 30 નવેમ્બર, 2026 સુધી સ્થગિત રાખવાની જાહેરાત કરી છે. એરલાઇન્સે આ નિર્ણય પાછળ પ્રદેશની પ્રવર્તમાન પરિસ્થિતિનો ઉલ્લેખ કર્યો છે. તેથી આ સમયગાળા દરમિયાન સાઉદી અરેબિયા જવા અથવા ત્યાંથી પરત આવવાનું આયોજન ધરાવતા મુસાફરોની મુસાફરીને અસર થઈ શકે છે.
આ રાહત 23 નવેમ્બર, 2026ના રોજ અથવા તે પહેલાં ટિકિટ જારી કરાવનારા અને 30 નવેમ્બર સુધી મુસાફરી માટે કન્ફર્મ બુકિંગ ધરાવતા મુસાફરોને લાગુ પડશે. તેઓ ઉપલબ્ધતા મુજબ કોઈ વધારાના ચાર્જ વિના મુસાફરીની તારીખ બદલી શકે છે. મુસાફરી રદ કરાવવાનો વિકલ્પ પસંદ કરનાર પાત્ર મુસાફરોને સંપૂર્ણ રિફંડ મળશે. નવી તારીખે મુસાફરી 14 ડિસેમ્બર, 2026 સુધીમાં પૂર્ણ કરવાની રહેશે.
એરલાઇન પ્રમાણે રિશેડ્યૂલિંગના વિકલ્પ
Air Indiaના મુસાફરો સાઉદી અરેબિયામાં એરલાઇનના કોઈપણ કાર્યરત સ્ટેશનથી અથવા ત્યાં સુધીની મુસાફરી ફરીથી ગોઠવી શકે છે. Air India Expressના મુસાફરો સાઉદી અરેબિયા ઉપરાંત બહેરીનમાં તેના કોઈપણ કાર્યરત સ્ટેશનથી અથવા ત્યાં સુધીની મુસાફરીની તારીખ બદલી શકે છે. તારીખ બદલવાની સુવિધા ઉપલબ્ધ સીટો પર આધારિત હોવાથી મુસાફરોએ વિકલ્પ નક્કી કરતાં પહેલાં એરલાઇનનો સંપર્ક કરવો યોગ્ય રહેશે.
રીશેડ્યૂલિંગ અથવા રિફંડ માટે Air Indiaના મુસાફરો +91 11 69329333 અથવા +91 11 69329999 પર સંપર્ક કરી શકે છે. Air India Express માટે +91 124 6935600 નંબર આપવામાં આવ્યો છે. ટિકિટમાં ફેરફાર અથવા રદ કરવાની પ્રક્રિયા અંગે સહાય મેળવવા મુસાફરોને સંબંધિત એરલાઇનની સપોર્ટ ટીમનો સંપર્ક કરવા જણાવાયું છે.
મુસાફરી પહેલાં ફ્લાઇટની સ્થિતિ તપાસો
ફ્લાઇટ સ્થગિત હોવાના કારણે એરપોર્ટ જતાં પહેલાં મુસાફરોએ પોતાની બુકિંગ અને ફ્લાઇટની તાજી સ્થિતિ એરલાઇનના સત્તાવાર માધ્યમ પર તપાસવી જોઈએ. ખાસ કરીને કનેક્ટિંગ મુસાફરી અથવા પાછા ફરવાની ટિકિટ ધરાવતા લોકોએ પોતાના સમગ્ર પ્રવાસના કાર્યક્રમની પુષ્ટિ કરી લેવી જરૂરી છે. હાલની જાહેરાતમાં જેદ્દાહ, દમ્મામ અને રિયાધની સેવાઓ 30 નવેમ્બર સુધી સ્થગિત રાખવામાં આવી છે; ત્યારપછીની સેવા અંગે આ જાહેરાતમાં કોઈ તારીખ આપવામાં આવી નથી.
