Waymoની ડ્રાઇવરલેસ કાર શહેરના રસ્તાઓ પર ચાલે છે, પરંતુ ફ્રીવે પર બંધ માર્ગ અને પોલીસની ટ્રાફિક વ્યવસ્થા જેવી પરિસ્થિતિઓમાં તેની કામગીરી અંગે સવાલ ઊભા થયા છે. નવેમ્બર 6ના રોજ Interstate 280 પર એક Waymo રોબોટેક્સીએ California Highway Patrol (CHP)નાં બે વાહનોને પસાર કરવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે પોલીસ વાહનો ટ્રાફિકને ધીમો પાડવા માટે ‘ટ્રાફિક બ્રેક’ કરી રહ્યાં હતાં. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો હતો.

તેના એક દિવસ પહેલાં, નવેમ્બર 5ના રોજ, Burlingame નજીક U.S. 101 પર ત્રણ Waymo વાહનો બાંધકામ માટે બંધ કરાયેલા વિસ્તારમાં પ્રવેશ્યાં હતાં. Associated Pressના અહેવાલમાં DMVના પ્રવક્તાને ટાંકીને જણાવાયું હતું કે, આ બંને ઘટનાઓ બાદ કેલિફોર્નિયાના Department of Motor Vehiclesએ નવેમ્બર 11થી Waymoને રાજ્યના ફ્રીવે પરનાં વાહનોનું સંચાલન અને પરીક્ષણ રોકવાનો આદેશ આપ્યો હતો. DMVએ વારંવાર સક્રિય બાંધકામ વિસ્તારમાં વાહનો પ્રવેશવાને જાહેર સલામતી માટે જોખમ ગણાવ્યું હતું.

પરત ફરવા માટે સુધારાત્મક પગલાં જરૂરી

પ્રતિબંધ ત્યાં સુધી અમલમાં રહેશે, જ્યાં સુધી Waymo ખામીઓ દૂર કરવા અસરકારક સુધારા કર્યા હોવાનું DMVને દર્શાવે નહીં. આ દરમિયાન કંપનીએ કેલિફોર્નિયામાં પ્રતિબંધ બાદ ફ્રીવે પર ડ્રાઇવરલેસ ટેક્સી રાઇડ્સ અટકાવી હતી. Waymoના જણાવ્યા અનુસાર, U.S. 101 પરની બાંધકામ-સંબંધિત ઘટનાઓમાં કોઈ ઈજા કે અથડામણ થઈ નહોતી.

National Highway Traffic Safety Administration (NHTSA)ના રિકોલ દસ્તાવેજ મુજબ, Waymoએ બંધ ફ્રીવે લેન સાથે જોડાયેલી ઘટનાઓ અંગે NHTSA સાથે ટેકનિકલ ચર્ચા કરી હતી. નવેમ્બર 6ના રોજ કંપનીએ બંધ લેનનો સામનો થવાની શક્યતા ઘટાડવા પોતાની કામગીરીની મંજૂર હદમાં ફેરફાર કર્યો હતો. નવેમ્બર 9ના રોજ ત્રણ વાહનો કોન લગાવી બંધ કરાયેલી બાંધકામ લેનમાં પ્રવેશ્યાં હતાં. ત્યારબાદ 10 અને 11 નવેમ્બરે Waymoએ વધુ મર્યાદા મૂકી અને નવેમ્બર 12એ સોફ્ટવેર રિકોલ કરવાનો નિર્ણય લીધો હતો. NHTSAના દસ્તાવેજમાં આ ઘટનાઓમાં ઈજા કે અથડામણ થયાની નોંધ નથી.