સ્માર્ટફોનની બેટરી સમય જતાં નબળી પડવી સ્વાભાવિક છે, પરંતુ ચાર્જિંગની કેટલીક ટેવો આ પ્રક્રિયાને ઝડપી બનાવી શકે છે. ખાસ કરીને ફોન લાંબા સમય સુધી 100 ટકા ચાર્જ પર જોડાયેલો રહે અથવા ચાર્જિંગ દરમિયાન વધુ ગરમ થાય તો બેટરીની ક્ષમતા પર અસર પડી શકે છે.
રાતભર ચાર્જિંગ અને ગરમીથી સાવધાન
Apple અને Googleની માર્ગદર્શિકા મુજબ, ફોનને લાંબા સમય સુધી સંપૂર્ણ ચાર્જ પર રાખવાથી બેટરી પર વધારાનો દબાણ આવી શકે છે. એટલા માટે iPhoneમાં Optimized Battery Charging અને Pixelમાં Adaptive Charging જેવી સુવિધાઓ આપવામાં આવે છે. આ ફીચર્સ ફોનની ચાર્જિંગ ટેવ શીખીને 80 ટકા આસપાસ ચાર્જિંગ રોકે છે અને ફોન વાપરવાનો સમય નજીક આવે ત્યારે બાકીની ચાર્જિંગ પૂર્ણ કરે છે.
ચાર્જિંગ દરમિયાન ફોન ગરમ થતો હોય તો તેને સીધા સૂર્યપ્રકાશમાં, ગરમ કારમાં અથવા હવા ન ફરતી જગ્યાએ ન રાખવો. Apple 35 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાનમાં ચાર્જિંગ ટાળવાની સલાહ આપે છે, જ્યારે Google પણ ઊંચા તાપમાનને બેટરી ક્ષમતા ઘટવા સાથે જોડે છે.
ચાર્જિંગ સમયે ભારે ઉપયોગ ટાળો
ચાર્જિંગ સાથે ગેમ રમવી, લાંબા સમય સુધી વીડિયો કૉલ કરવો, હાઇ-ડેફિનેશન વીડિયો રેકોર્ડ કરવો અથવા હોટસ્પોટ ચલાવવાથી ફોન વધુ ગરમ થઈ શકે છે. Googleના જણાવ્યા મુજબ, વધુ તાપમાનમાં ફોન ચાર્જિંગની ઝડપ ઘટાડે છે અથવા કેટલીક કામગીરી મર્યાદિત કરી શકે છે. ફોન ગરમ લાગે તો ચાર્જર કાઢીને તેને ઠંડી જગ્યાએ રાખવો અને ઠંડો થાય ત્યાં સુધી ઉપયોગ ન કરવો.
યોગ્ય ચાર્જર અને સેટિંગ્સનો ઉપયોગ
ફોન સાથે મળેલા અથવા કંપની દ્વારા સુસંગત ગણાવેલા ચાર્જર અને કેબલનો ઉપયોગ કરવો. Google અનુસાર, ખોટા પાવર એડેપ્ટરથી ચાર્જિંગ ધીમું થવા ઉપરાંત ફોન અથવા બેટરીને નુકસાન થઈ શકે છે. જરૂરિયાત ન હોય ત્યારે હોટસ્પોટ, વધુ તેજ બ્રાઇટનેસ અને વધારે બેટરી વાપરતી એપ્સ બંધ રાખવાથી દૈનિક બેટરી ડ્રેઇન પણ ઘટાડી શકાય છે.
બેટરીને સંપૂર્ણ ખાલી કરીને ફરીથી 100 ટકા સુધી ચાર્જ કરવાની જરૂર નથી. દિવસ દરમિયાન થોડું-થોડું ચાર્જિંગ સામાન્ય રીતે નુકસાનકારક નથી, પરંતુ ફોનને અતિશય ગરમીથી બચાવવો સૌથી મહત્વપૂર્ણ છે.
