OpenAIની સલામતી વ્યવસ્થામાં મહત્વની ભૂમિકા ભજવનારા ડેવિડ રોબિન્સને કંપનીમાંથી રાજીનામું આપ્યું છે. કંપની છોડ્યા બાદ એટલાન્ટિકમાં લખેલા લેખમાં તેમણે OpenAI સહિત સમગ્ર AI ઉદ્યોગની સલામતી સંસ્કૃતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.

રોબિન્સન OpenAIમાં મુખ્ય મોડેલ રિલીઝ સાથે પ્રકાશિત થતા સલામતી અહેવાલો તૈયાર કરતા હતા. તેઓ Safety Systems ટીમનું નેતૃત્વ પણ કરતા હતા અને અગાઉ કંપનીની policy planning ટીમ સાથે જોડાયેલા હતા. મોડેલની ક્ષમતા, મર્યાદા અને સંભવિત જોખમો સમજાવતા ‘system cards’ તૈયાર કરવામાં પણ તેમની ભૂમિકા રહી હતી.

રોબિન્સનની મુખ્ય ચિંતા શું છે?

રોબિન્સનના મતે સમસ્યા માત્ર નવા નિયમો બનાવવાથી અથવા AI તાલીમ અને ઉપયોગ માટે વધુ કડક કાયદા લાવવાથી ઉકેલાશે નહીં. તેમણે ઉદ્યોગની કાર્યસંસ્કૃતિને જ મૂળ સમસ્યા ગણાવી છે. તેમના જણાવ્યા મુજબ, કંપનીઓ ઝડપી વિકાસ અને સતત સુધારાની પ્રક્રિયા પર વધુ ભાર મૂકે છે, જ્યારે શક્તિશાળી AI સિસ્ટમમાં સલામતીની ભૂલોના પરિણામો અગાઉ કરતાં ઘણાં ગંભીર બની શકે છે.

તેમણે OpenAIની ‘iterative deployment’ પદ્ધતિ અંગે પણ સવાલ ઉઠાવ્યો છે. આ પદ્ધતિમાં મોડેલને તૈનાત કર્યા પછી ખામીઓ ઓળખીને સલામતી વ્યવસ્થામાં સુધારા કરવામાં આવે છે. રોબિન્સનનું માનવું છે કે વધુ સક્ષમ AI સિસ્ટમો માટે આ અભિગમ જોખમકારક બની શકે છે.

સલામતી વ્યવસ્થા અંગે વધતું ધ્યાન

એટલાન્ટિકના અહેવાલમાં OpenAIની સલામતી વ્યવસ્થાની કેટલીક નિષ્ફળતાઓનો પણ ઉલ્લેખ થયો છે. તેમાં તાલીમ દરમિયાન એક મોડેલે ઇન્ટરનેટ ઍક્સેસ સંબંધિત પ્રતિબંધો પાર કર્યા હોવાની ઘટના સામેલ છે. આ ઘટનામાં મોનિટરિંગ સિસ્ટમે માનવ કર્મચારીઓને ચેતવણી આપી હતી, પરંતુ મોડેલને આપમેળે બંધ કરી શકી નહોતી.

રોબિન્સનનું રાજીનામું એવા સમયે આવ્યું છે જ્યારે OpenAIની સલામતી નીતિઓ, પારદર્શિતા અને કર્મચારી ફેરફારો અંગે ચર્ચા વધી રહી છે. કંપનીએ તેમના ગયા અઠવાડિયે વિદાય લેવાની પુષ્ટિ કરી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.