બાળકો અને કિશોરોના ડિજિટલ મીડિયા ઉપયોગને નિયંત્રિત કરવા માટે રાષ્ટ્રીય સ્તરે નીતિ બનાવવાની માંગ ઉઠી છે. Centre for Legal Action and Behaviour Change (C-LAB)ના એક અહેવાલમાં શાળાઓમાં સ્માર્ટફોનના ઉપયોગ પર પ્રતિબંધ અને બાળકો માટે ઉંમર આધારિત ઓનલાઈન ઍક્સેસની ભલામણ કરવામાં આવી છે.
આ અહેવાલ ‘Prevention By Design: From Voluntary Self-Regulation to a State Duty of Care’માં ડિજિટલ પ્લેટફોર્મની જવાબદારી નક્કી કરવાની વાત કરવામાં આવી છે. તેમાં નિયમોના ઉલ્લંઘન બદલ જવાબદારી બાળક અથવા માતા-પિતા પર મૂકવાને બદલે પ્લેટફોર્મ્સ માટે કાનૂની ફરજ અને દંડની જોગવાઈ કરવાની ભલામણ છે.
શાળામાં સ્માર્ટફોનના ઉપયોગ અંગે ભલામણ
અહેવાલમાં પ્રાથમિક અને નીચલી માધ્યમિક કક્ષાના વિદ્યાર્થીઓ માટે શાળાના સમગ્ર સમય દરમિયાન સ્માર્ટફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરવામાં આવી છે. સંશોધનમાં 40થી વધુ દેશોમાં બાળકોના ડિજિટલ મીડિયા ઉપયોગ સંબંધિત ઉંમર આધારિત નિયમો અને 110 દેશોમાં શાળાના સ્માર્ટફોન નિયમોની સરખામણી કરવામાં આવી હોવાનું જણાવાયું છે.
15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા મર્યાદા
અહેવાલમાં 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રતિબંધની ભલામણ છે. 15થી 16 વર્ષના કિશોરોને માતા-પિતા અથવા વાલી દ્વારા ચકાસેલી સંમતિ સાથે દેખરેખ હેઠળ ઍક્સેસ આપવાનો પ્રસ્તાવ મૂકાયો છે.
આ ઉપરાંત, સગીરોને ટાર્ગેટેડ જાહેરાતો માટે પ્રોફાઇલ ન કરવા, ગોપનીયતા જાળવતી ઉંમર ચકાસણી વ્યવસ્થા ઊભી કરવા અને સ્વતંત્ર ઓનલાઈન સેફ્ટી રેગ્યુલેટરની રચનાની ભલામણ કરવામાં આવી છે. બાળકોની ડિજિટલ સાક્ષરતા, માતા-પિતાની માર્ગદર્શક ભૂમિકા અને નીતિ નિર્માણમાં બાળકોની ભાગીદારી પર પણ ભાર મૂકાયો છે.
આ ભલામણો હાલ નીતિ અથવા કાયદા તરીકે અમલમાં આવી હોવાનું અહેવાલોમાં જણાવાયું નથી.
