ભારતમાં 2026ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં સ્માર્ટફોનના સરેરાશ વેચાણભાવમાં 16%નો વધારો નોંધાયો છે. Counterpoint Researchના વિશ્લેષણ મુજબ મેમરી ઘટકોના વધેલા ખર્ચ અને રૂપિયાની નબળાઈને કારણે મોબાઇલ કંપનીઓએ તેનો એક ભાગ ગ્રાહકો પર નાખ્યો છે.
આ ભાવવધારાની અસર ખાસ કરીને બજેટ સેગમેન્ટમાં જોવા મળી છે. ઓછી કિંમતના ફોનમાં મેમરીનો ખર્ચ કુલ ઉત્પાદન ખર્ચમાં મોટો હિસ્સો ધરાવતો હોવાથી આ કેટેગરીના મોડલ પર દબાણ વધુ રહ્યું છે. ₹10,000થી ઓછી કિંમતના સ્માર્ટફોનના ભાવમાં સરેરાશ આશરે 32%નો વધારો થયો હોવાનું રિસર્ચ આધારિત અહેવાલોમાં જણાવાયું છે.
સરેરાશ ભાવ રેકોર્ડ સ્તરે
ભાવવધારાને કારણે ભારતમાં સ્માર્ટફોનની સરેરાશ વેચાણકિંમત 2026ના બીજા ત્રિમાસિક ગાળામાં રેકોર્ડ 318 ડૉલર સુધી પહોંચી હતી. બીજી તરફ, ₹20,000થી વધુ કિંમતના ફોનની માંગ ચાલુ રહી હતી. ટ્રેડ-ઇન ઓફર, ઊંચી પ્રારંભિક લોન્ચ કિંમત અને નો-કોસ્ટ EMI જેવી સુવિધાઓથી આ સેગમેન્ટમાં ગ્રાહકો પર વધેલી કિંમતનો સીધો અસર થોડો ઓછો રહ્યો.
કંપનીઓ માટે મેમરી અને સ્ટોરેજ ખર્ચ સૌથી મોટો પડકાર બની રહ્યો છે. ઊંચા ખર્ચને પહોંચી વળવા કેટલીક બ્રાન્ડે નવા મોડલના ભાવ વધાર્યા છે, જ્યારે કેટલીક કંપનીઓ વધુ સ્ટોરેજ ધરાવતા મોંઘા મોડલ તરફ વળી રહી છે.
OnePlusનો ભાવવધારો બજારના સરેરાશ કરતાં ઓછો રહ્યો. કંપનીના સ્માર્ટફોનના ભાવમાં સરેરાશ 8% વધારો થયો હતો અને 2026ના બીજા ત્રિમાસિક ગાળામાં તેના શિપમેન્ટમાં અગાઉના ત્રિમાસિક ગાળાની સરખામણીએ 49% વધારો નોંધાયો હતો. બજાર વિશ્લેષકોના મતે વધતા ઘટક ખર્ચને કારણે નીચી કિંમતના સેગમેન્ટમાં વેચાણ પર વધુ દબાણ રહેવાની શક્યતા છે.
