આસામના મોરીગાંવ જિલ્લાના જાગીરોડમાં ટાટા સમૂહના સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ પ્લાન્ટમાં ટ્રાયલ રન શરૂ થઈ ગયો છે. સંપૂર્ણ રીતે કાર્યરત થયા બાદ પ્લાન્ટમાં દરરોજ આશરે 4.8 કરોડ સેમિકન્ડક્ટર ચિપ્સનું એસેમ્બલી અને ટેસ્ટિંગ કરવાની ક્ષમતા હશે. ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલયના દસ્તાવેજમાં પણ આ સુવિધાની દૈનિક ક્ષમતા 48 મિલિયન ચિપ્સ દર્શાવવામાં આવી છે.
આ પ્લાન્ટ આશરે 592 એકરમાં ફેલાયેલો છે અને તેને દેશની સૌથી મોટી સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ સુવિધાઓમાંની એક તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે. ટાટા ઇલેક્ટ્રોનિક્સે ફેબ્રુઆરી 2024માં જાહેર કરેલી માહિતી મુજબ, આ પ્રોજેક્ટ માટે આશરે રૂ. 27,000 કરોડનું રોકાણ નક્કી કરવામાં આવ્યું હતું અને શરૂઆતમાં 27,000થી વધુ પ્રત્યક્ષ તથા પરોક્ષ રોજગાર સર્જાવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.
પ્લાન્ટમાં કઈ ટેક્નોલોજીનો ઉપયોગ થશે
સુવિધામાં વાયર બોન્ડિંગ અને ફ્લિપ ચિપ જેવી સેમિકન્ડક્ટર પેકેજિંગ ટેક્નોલોજીનો ઉપયોગ થશે. આ ઉપરાંત ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ્સ પેકેજિંગ સહિતની અદ્યતન પેકેજિંગ ક્ષમતાઓ વિકસાવવાનો પણ ટાટા ઇલેક્ટ્રોનિક્સનો ઉદ્દેશ છે. કંપનીના જણાવ્યા અનુસાર, અહીં તૈયાર થનારી ચિપ્સનો ઉપયોગ ઓટોમોટિવ, હેલ્થકેર, ટેલિકોમ્યુનિકેશન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ જેવા ક્ષેત્રોમાં થઈ શકે છે.
સેમિકન્ડક્ટર ફેબમાં બનેલા વેફરને પેકેજ કરીને તેનું પરીક્ષણ કરવાની પ્રક્રિયા OSAT સુવિધામાં થાય છે. આ પ્રક્રિયા ચિપને અંતિમ ઉત્પાદન તરીકે ઉપયોગમાં લેવા પહેલાં તેની સુરક્ષા, કામગીરી અને વિશ્વસનીયતા ચકાસવા માટે મહત્વપૂર્ણ છે.
હાથીઓ અને સાપોથી સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા
જાગીરોડ વિસ્તાર આસપાસ જંગલી હાથીઓની અવરજવર રહેતી હોવાથી પ્લાન્ટની આસપાસ ગ્રીન બેલ્ટ અને કોન્ક્રિટ-સ્ટીલની મજબૂત દીવાલ બનાવવામાં આવી છે. અહેવાલ મુજબ, ભારે પગલાંથી સર્જાતા કંપનને કારણે ચિપ એસેમ્બલી મશીનોની કામગીરી પર અસર ન થાય તે માટે પણ સુરક્ષા આયોજન કરવામાં આવ્યું છે. સાપોથી બચાવ માટે સ્નેક રેસ્ક્યૂ ટીમ રાખવા ઉપરાંત કર્મચારીઓને તાલીમ આપવામાં આવી રહી છે.
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાના જણાવ્યા અનુસાર, પ્લાન્ટનું સત્તાવાર ઉદ્ઘાટન ડિસેમ્બર 2026 અથવા જાન્યુઆરી 2027માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા થઈ શકે છે. પ્લાન્ટમાં કામ કરવા માટે વિદેશમાં કાર્યરત આસામના કેટલાક કુશળ યુવાનો પરત ફરવામાં રસ દાખવી રહ્યા છે અને ઘણા ઉમેદવારોના ઇન્ટરવ્યૂ થઈ ચૂક્યા હોવાનું પણ અહેવાલમાં જણાવાયું છે.
