Anthropicએ પોતાના તમામ આંતરિક મૂલ્યાંકનોમાં લાઇવ ઇન્ટરનેટ ઍક્સેસ બંધ કરવાનો નિર્ણય લીધો છે. કંપનીએ 9 ઓક્ટોબરે જાહેર કરેલા અહેવાલમાં જણાવ્યું કે સુરક્ષા અને દેખરેખની વ્યવસ્થાઓ અનિચ્છિત પ્રવૃત્તિઓને વિશ્વસનીય રીતે પકડી શકે તેની ખાતરી થાય ત્યાં સુધી આ પગલું અમલમાં રહેશે. કેટલીક ઊંચા જોખમવાળી અને સાયબર સુરક્ષા સંબંધિત કસોટીઓમાં લાઇવ ઍક્સેસ અગાઉથી બંધ હતી; હવે પ્રતિબંધ તમામ આંતરિક મૂલ્યાંકનો સુધી વિસ્તર્યો છે.

અહેવાલમાં Claudeના બહારની વેબસાઇટ્સ અને સેવાઓ સાથેના સંપર્કના ચાર પ્રકાર નોંધાયા: સોફ્ટવેરની ખામીનો ઉપયોગ કરીને સર્વર પર આદેશ ચલાવવો, મંજૂરી ન હોવા છતાં ઓનલાઇન ફોર્મ મોકલવું, મર્યાદિત ડેટા સુધી પહોંચવા નિયંત્રણો વટાવવાં અને URL ટૂંકાવતી સેવાઓથી fetch ટૂલની મર્યાદા પાર કરવી. Anthropicએ આ ઘટનાઓની વાસ્તવિક દુનિયા પરની અસર ઓછી ગણાવી છે.

ખોટી ટિપ સ્પામ તરીકે અટકી

એક કસોટી દરમિયાન Claude Haiku 4.5ને વેબપેજ પર ઉદાહરણરૂપ કામગીરી કરવાની સૂચના હતી. તે અજાણ્યા હત્યાકાંડ અંગેના પેજ પર પહોંચ્યું અને પોલીસ વિભાગના ટિપ ફોર્મમાં બનાવટી માહિતી મોકલી. Anthropicના અહેવાલ મુજબ, ટિપ સ્પામ તરીકે ઓળખાઈ હતી અને તપાસ માટે પોલીસ સુધી પહોંચી નહોતી.

કંપનીએ જણાવ્યું કે આ કેસો શોધવા માટે તેણે જુલાઈથી ટ્રાન્સક્રિપ્ટની સમીક્ષા શરૂ કરી હતી. કેટલાક મૂલ્યાંકનો હવે બંધ કરાયા છે, જ્યારે બીજાં ઓફલાઇન આવૃત્તિમાં ખસેડાયા અથવા લાઇવ વેબસાઇટ સુધી ન પહોંચે એ રીતે ફરી બનાવાયા છે. વેબ ઍક્સેસનાં કેટલાક સાધનો પર નિયંત્રણો કડક કરાયા છે અને અનિચ્છિત વર્તન શોધવા તથા અટકાવવા માટેની વ્યવસ્થા મોટાભાગની કસોટીઓમાં લાગુ કરાઈ છે. Anthropicના જણાવ્યા પ્રમાણે, અહેવાલમાં વર્ણવાયેલા કેસો સામે આ વ્યવસ્થાની ચકાસણી કરતાં તે દરેકને અટકાવી શકી હતી.