સુપરઇન્ટેલિજન્સ વિકસાવવાની દોડ વચ્ચે AI ક્ષેત્રના વર્તમાન અને ભૂતપૂર્વ સંશોધકોએ માનવજાત માટે ઊભા થઈ શકતા ગંભીર જોખમ અંગે ચેતવણી આપી છે. તેમનું કહેવું છે કે જો AI સિસ્ટમો પોતાની ક્ષમતામાં ઝડપથી સુધારો કરતી જાય અને માનવોની નિયંત્રણ ક્ષમતા પાછળ રહી જાય, તો તેના પરિણામો અત્યંત વિનાશક બની શકે છે.
આ ચેતવણીઓ Palisade Research દ્વારા તૈયાર કરાયેલા વિડિયો ઇન્ટરવ્યૂની શ્રેણીમાં સામે આવી છે. ‘frominside.ai’ નામના પ્રોજેક્ટમાં OpenAI, Google DeepMind અને Anthropic સાથે જોડાયેલા વર્તમાન તથા ભૂતપૂર્વ સંશોધકોના ઇન્ટરવ્યૂ સામેલ છે. પ્રોજેક્ટનો હેતુ AI સુરક્ષા અંગેની ચિંતા સોશિયલ મીડિયા બહાર સામાન્ય લોકો સુધી પહોંચાડવાનો છે.
સંશોધકોએ શું કહ્યું?
OpenAI અને Google DeepMindમાં કામ કરી ચૂકેલા Geoffrey Irvingએ AIથી માનવજાતના અસ્તિત્વ સામે ઊભા થઈ શકે તેવા જોખમને ખૂબ ગંભીર ગણાવ્યો. Reutersને આપેલા નિવેદનમાં તેમણે કહ્યું કે આ જોખમ ઝડપથી વધી રહ્યો છે. Google DeepMindના સંશોધક Neel Nandaએ AIના કારણે માનવ વિનાશની શક્યતા ઓછામાં ઓછી 10 ટકા હોવાનો પોતાનો અંદાજ વ્યક્ત કર્યો અને તેને અસ્વીકાર્ય રીતે ઊંચો ગણાવ્યો.
ઇન્ટરવ્યૂમાં સામેલ સંશોધકોનું કહેવું છે કે AI લેબોરેટરીઓમાં નવા મોડલ વિકસાવનારા કર્મચારીઓને ઘણી વખત વધુ પ્રોત્સાહન મળે છે, જ્યારે સાવચેતી અને સુરક્ષાની માંગ કરનારા કર્મચારીઓની ભૂમિકા પાછળ રહી જાય છે. જોકે આ અભિપ્રાયો વ્યક્તિગત સંશોધકોના છે અને સંબંધિત કંપનીઓની સત્તાવાર સ્થિતિ તરીકે રજૂ કરવામાં આવ્યા નથી.
ચર્ચાનો કેન્દ્ર
સંશોધકો ખાસ કરીને એવી ‘self-improving’ AI સિસ્ટમોથી ચિંતિત છે, જે પોતાનું કોડ, સંશોધન અથવા ક્ષમતા માનવ દેખરેખ કરતાં વધુ ઝડપથી સુધારી શકે. Palisade Research AI એજન્ટોની ક્ષમતા અને માનવ નિયંત્રણ ગુમાવવાના જોખમ પર સંશોધન કરે છે.
