અમદાવાદ સ્થિત સ્પેસટેક સ્ટાર્ટઅપ SatLeo Labsનું સ્વદેશી થર્મલ ઇન્ફ્રારેડ કેમેરા પેલોડ TAPAS-1 અવકાશમાં મોકલવામાં આવશે. કંપનીની માહિતી અનુસાર, તેનું લોન્ચ 1 ઓક્ટોબર, 2026ના રોજ અમેરિકાથી SpaceXના Falcon 9 રોકેટ દ્વારા થવાનું છે.
TAPAS-1ને આશરે 500 કિલોમીટર ઊંચી ભ્રમણકક્ષામાં એક સેટેલાઇટ પર સ્થાપિત કરવામાં આવશે. 3 કિલોગ્રામ વજન ધરાવતું આ પેલોડ પૃથ્વીની સપાટી પરથી નીકળતી થર્મલ ઇન્ફ્રારેડ રેડિયેશનને કૅપ્ચર કરશે અને જુદા જુદા વિસ્તારોમાં ગરમી તથા તાપમાનના ફેરફારો દર્શાવતી તસવીરો તૈયાર કરશે.
થર્મલ ડેટાનો ક્યાં ઉપયોગ થશે?
આ કેમેરાથી મળતા ડેટાનો ઉપયોગ શહેરોમાં વધતી ગરમીનું નિરીક્ષણ, કૃષિમાં પાક પર પડતા તાપમાન અને પાણીના તણાવનું મૂલ્યાંકન, ઔદ્યોગિક મોનિટરિંગ, આપત્તિ વ્યવસ્થાપન તથા જંગલોમાં આગની ઓળખ માટે થઈ શકે છે. થર્મલ તસવીરોનું વિશ્લેષણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત સાધનોની મદદથી કરવાની યોજના છે.
કંપનીના જણાવ્યા અનુસાર, TAPAS-1નો વિકાસ ગુજરાતમાં આવેલી તેની લેબોરેટરીમાં કરવામાં આવ્યો છે. SatLeo Labsએ અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે પાઇલટ પ્રોજેક્ટ હેઠળ શહેરના વિવિધ વિસ્તારોનું તાપમાન મૅપિંગ પણ કર્યું છે.
ત્રણ વર્ષ સુધી ભ્રમણકક્ષામાં રહેવાની યોજના
કંપનીના સ્થાપકોના જણાવ્યા અનુસાર, TAPAS-1 આશરે ત્રણ વર્ષ સુધી ભ્રમણકક્ષામાં રહેવાની અપેક્ષા છે. મિશન બાદ સેટેલાઇટથી મળતો ડેટા વિવિધ ઉદ્યોગો અને સંસ્થાઓ માટે ઉપયોગી બનાવવાની યોજના છે.
SatLeo Labsે વધુ આ પ્રકારના સેટેલાઇટ મિશન વિકસાવવાની યોજના પણ જાહેર કરી છે. કંપનીના જણાવ્યા અનુસાર, 2029 સુધીમાં આવા વધુ આઠ સેટેલાઇટ લોન્ચ કરવાનો લક્ષ્યાંક છે.
