ભારતીય પુરુષ કબડ્ડી ટીમે બાંગ્લાદેશને 56-27થી હરાવીને કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપની ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. હવે ભારતનો મુકાબલો શ્રીલંકા સામે થશે. અમદાવાદમાં 31 ઑક્ટોબરે રાત્રે 9 વાગ્યે રમાનારી આ ફાઇનલમાં ભારત પ્રથમ વખત યોજાતી ચેમ્પિયનશિપનો ખિતાબ જીતવા અને અપરાજિત અભિયાન જાળવવા ઉતરશે.

બાંગ્લાદેશ સામે ભારતની મજબૂત શરૂઆત

ભારતે મેચની શરૂઆતથી જ રેઇડિંગ અને બચાવ, બંનેમાં દબદબો રાખ્યો. નવીન કુમાર અને નીરજ નરવાલે શરૂઆતમાં રેઇડિંગની આગેવાની લીધી, જ્યારે દીપક એસ અને શુભમ શિંદેએ સંરક્ષણમાં ટીમને સ્થિરતા આપી. બાંગ્લાદેશ તરફથી દિપાયોન ગોલ્ડરે સફળ રેઇડ સાથે ખાતું ખોલાવ્યું, પરંતુ ભારતે પાંચ મિનિટની અંદર પ્રથમ ઓલઆઉટ કરીને પકડ મજબૂત કરી.

મેચ આગળ વધતાં ભારત હૂડા અને શિવમ પતારેએ રેઇડિંગની જવાબદારી સંભાળી. પ્રથમ હાફ પૂરો થવામાં આઠ મિનિટ બાકી હતી ત્યારે ભારતે બીજો ઓલઆઉટ કર્યો. વિરામ સમયે ભારત 28-8થી આગળ હતું. બાંગ્લાદેશ પ્રથમ હાફમાં એક પણ ટૅકલ પોઇન્ટ મેળવી શક્યું નહોતું.

બીજા હાફમાં પણ ભારતે દબાણ જાળવી રાખ્યું. મેચ પૂરી થવામાં 10 મિનિટ બાકી હતી ત્યારે સ્કોર 38-16 હતો. ચાર મિનિટ બાકી હતી ત્યારે ત્રીજા ઓલઆઉટ બાદ ભારતની સરસાઈ 49-20 થઈ અને જીત લગભગ નિશ્ચિત બની. ભારતે અંતે 56-27થી મેચ જીતી. ટીમના ખાતામાં 37 રેઇડ પોઇન્ટ, 12 ટૅકલ પોઇન્ટ અને છ ઓલઆઉટ પોઇન્ટ નોંધાયા.

હૂડા ભારત તરફથી સૌથી વધુ 13 પોઇન્ટ સાથે ટોચના સ્કોરર રહ્યા. પતારેએ 11 અને નરવાલે નવ પોઇન્ટ મેળવ્યા. બચાવમાં અજિત પવારે આઠ ટૅકલના પ્રયાસમાં પાંચ પોઇન્ટ મેળવી નોંધપાત્ર યોગદાન આપ્યું.

શ્રીલંકાએ કેન્યાને હરાવી ફાઇનલમાં જગ્યા કરી

બીજી સેમિફાઇનલમાં શ્રીલંકાએ કેન્યાને 28-24થી હરાવીને ભારત સામેની ફાઇનલ નક્કી કરી. શ્રીલંકા માટે મિલિન્દા ચતુરંગા અને સભિહાને છ-છ પોઇન્ટ મેળવ્યા, જ્યારે વિદુરંગાએ ચાર પોઇન્ટ ઉમેર્યા. મેડે દ્વિકી સંજયાએ બચાવમાં પાંચ ટૅકલ પોઇન્ટ નોંધાવ્યા. કેન્યા તરફથી હેલ્વિક વાન્જાલાએ નવ અને સેમ્યુઅલ વાફુલાએ છ પોઇન્ટ મેળવ્યા, પરંતુ ટીમને જીત અપાવી શક્યા નહીં.

ભારતીય કેપ્ટન સુરજીત સિંહે ફાઇનલમાં પહોંચવાને ટીમ માટે ગૌરવની ક્ષણ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે ટીમનો ઉત્સાહ ઊંચો છે અને અપરાજિત સિલસિલો જાળવીને ખિતાબ જીતવાનો તેનો હેતુ છે. સુરજીતે 13 દેશોની ભાગીદારી ધરાવતી સ્પર્ધાને કબડ્ડીના આંતરરાષ્ટ્રીય વ્યાપ માટે મહત્ત્વની ગણાવી હતી. તેમણે આફ્રિકન ટીમોના પ્રદર્શનની પણ પ્રશંસા કરી અને આશા વ્યક્ત કરી કે ત્યાંના પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રો કબડ્ડી લીગ જેવી સ્પર્ધાઓમાં તક મળશે.