મુંબઈના NSCI ડોમમાં યોજાયેલી ‘કપ ઓફ નેશન્સ’ સિમ રેસિંગ સ્પર્ધામાં ટીમ સ્પેન વ્હાઇટે ખિતાબ જીત્યો. ત્રણ દિવસ ચાલેલી આ સ્પર્ધામાં 20 ટીમના 40 ડ્રાઇવરો ભાગ લીધો હતો, જેમાં 20 વિશ્વ ચેમ્પિયનનો પણ સમાવેશ હતો. મુંબઈ ફાલ્કન્સ રેસિંગ લિમિટેડે Formula 1 સાથે મળીને સ્પર્ધાનું આયોજન કર્યું હતું.
સ્પેન વ્હાઇટ તરફથી ઇસ્માઈલ ફહસીએ ગ્રાન્ડ ફાઇનલની ચારેય રેસ જીતી હતી. સાથી ડ્રાઇવર અલેજાન્ડ્રો લોરેરેઇરો સાથેની ટીમે કુલ 103 પોઇન્ટ મેળવી પ્રથમ સ્થાન મેળવ્યું. નેધરલેન્ડ્સ રેડ 60 પોઇન્ટ સાથે બીજા ક્રમે રહી, જ્યારે હંગેરી રેડે 49 પોઇન્ટ સાથે ત્રીજું સ્થાન મેળવ્યું.
સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ ટીમ ઇન્ડિયા ઓરેન્જે કર્યું હતું. તેમાં F1 Sim Racing India Open 2026ના ટોચના બે સ્પર્ધકો કાર્લ વર્ઘીસ અને સિદ્ધાર્થ સથગરે ભાગ લીધો હતો. આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતીય ડ્રાઇવરોને વૈશ્વિક સિમ રેસિંગ સ્પર્ધકો સાથે ભાગ લેવાની તક મળી.
20 ટીમે શરૂઆતના રાઉન્ડમાં બે જૂથમાં ભાગ લીધો હતો. ત્યાર બાદ ડબલ-એલિમિનેશન અને નોકઆઉટ તબક્કા મારફતે ટીમોની સંખ્યા ઘટાડી ગ્રાન્ડ ફાઇનલમાં ટોચની 10 ટીમો પહોંચી હતી. ફાઇનલની રેસ મેક્સિકો, બ્રાઝિલ, કતાર અને UAEના Formula 1 સર્કિટના વર્ચ્યુઅલ ટ્રેક પર યોજાઈ હતી.
