ગુજરાતની 14 વર્ષની જેન્સી કનબારે ભારતીય મહિલા ટેનિસમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. કોલકાતામાં ચાલી રહેલી HCL ITF W15 ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં નેધરલેન્ડ્સની ફ્લોરેન્ટિન ડેકર્સને 6-1, 6-0થી હરાવી તે પ્રોફેશનલ સિંગલ્સ ફાઇનલમાં પહોંચનારી સૌથી નાની ઉંમરની ભારતીય મહિલા બની. જેન્સીની ઉંમર 14 વર્ષ અને 11 મહિના છે. આ તેની કારકિર્દીની પહેલી પ્રોફેશનલ સિંગલ્સ ફાઇનલ છે.
આ પહેલાંનો રેકોર્ડ સાનિયા મિર્ઝાના નામે હતો. સાનિયા 2002માં હૈદરાબાદમાં યોજાયેલી ITF સિંગલ્સ સ્પર્ધાની ફાઇનલમાં 15 વર્ષ અને 10 મહિનાની ઉંમરે પહોંચી હતી. જેન્સીએ આ સિદ્ધિ લગભગ 11 મહિના નાની ઉંમરે મેળવી છે.
ચાર મેચ, એક પણ સેટ ગુમાવ્યો નથી
ટુર્નામેન્ટમાં જેન્સી અત્યાર સુધી ચાર મેચ રમી છે અને એકેય સેટ ગુમાવ્યા વિના ફાઇનલ સુધી પહોંચી છે. શરૂઆતની મેચમાં તેણે ભારતની રિયા સચદેવાને 6-1, 6-2થી હરાવી હતી. બીજા રાઉન્ડમાં ડેનમાર્કની એલેના જામશિદીને 6-3, 6-0થી પરાજય આપ્યો.
ક્વાર્ટર ફાઇનલમાં ચોથા ક્રમાંકિત રશિયાની મારિયા કાલ્યાકિના સામે તેને સૌથી કઠિન પડકારનો સામનો કરવો પડ્યો. પ્રથમ સેટમાં 3-5થી પાછળ પડ્યા બાદ જેન્સીએ વાપસી કરી ટાઇબ્રેક સુધી પહોંચાડ્યો. ટાઇબ્રેકમાં પણ તે 1-4થી પાછળ હતી, પરંતુ સતત છ પોઇન્ટ જીતી સેટ 7-6(4)થી પોતાના નામે કર્યો. ત્યાર બાદ બીજો સેટ 6-2થી જીતી સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો.
ડેકર્સ સામેની સેમિફાઇનલમાં જોકે જેન્સીએ શરૂઆતથી જ દબદબો જાળવ્યો. 54 મિનિટમાં 6-1, 6-0થી જીત મેળવીને તેણે ફાઇનલની ટિકિટ મેળવી.
ફાઇનલમાં ટોચના ક્રમાંકિત ખેલાડી સામે મુકાબલો
રવિવાર, 29 નવેમ્બરે રમાનારી ફાઇનલમાં જેન્સીનો મુકાબલો ઇન્ડોનેશિયાની ટોચની ક્રમાંકિત પ્રિસ્કા મેડેલિન નુગ્રોહો સાથે થશે. નુગ્રોહોએ બીજી સેમિફાઇનલમાં થાઇલેન્ડની કામોનવાન યોદપેચને 6-1, 6-4થી હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી છે. જેન્સી પાસે હવે રેકોર્ડબ્રેક સપ્તાહને પ્રોફેશનલ સિંગલ્સના પ્રથમ ખિતાબ સાથે પૂર્ણ કરવાની તક છે.
