પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક વિંઝોલ સ્થિત શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે પશ્ચિમ ઝોન આંતર-યુનિવર્સિટી પુરુષ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2026-27નો પ્રારંભ થયો છે. એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીઝ (AIU)ના ઉપક્રમે અને યુનિવર્સિટીના યજમાનપદે યોજાતી આ સ્પર્ધા 25થી 28 નવેમ્બર સુધી ચાલશે. તેમાં ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગોવાની 112 યુનિવર્સિટીઓના આશરે 600 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે.
યુનિવર્સિટીના મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલમાં ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો. કુલપતિ પ્રોફેસર ડૉ. હરિભાઈ કાતરિયા સમારંભના અધ્યક્ષ અને મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે AIU-કેરળના નિરીક્ષક ડૉ. સુજીત એસ., સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગરના ઇતિહાસ વિભાગના પ્રોફેસર ડૉ. વસંત પટેલ અને એલ.એમ. કોલેજ ઓફ ફાર્મસીના આચાર્ય પ્રોફેસર મહેશ છબડીયા હાજર રહ્યા હતા.
પાંચ રાજ્યોની યુનિવર્સિટીઓની ટીમો
કાર્યક્રમની શરૂઆત મહેમાનોના આગમન અને દીપપ્રાગટ્ય સાથે થઈ હતી. હાજર મહેમાનોનું સૂતરની આંટી અને રૂમાલ આપીને સ્વાગત કરાયું. ટુર્નામેન્ટના આયોજન સચિવ અને શારીરિક શિક્ષણ વિભાગના નિયામક ડૉ. વિકાસ પ્રજાપતિએ સ્વાગત પ્રવચન આપ્યું હતું. તેમણે મહેમાનો, ખેલાડીઓ અને ટીમ મેનેજરોનું અભિવાદન કર્યું.
કુલપતિ ડૉ. કાતરિયાએ પોતાના સંબોધનમાં રમતગમતથી વિદ્યાર્થીઓમાં શિસ્ત, ખેલદિલી અને નેતૃત્વના ગુણો વિકસે છે તેમ જણાવ્યું હતું. તેમણે ખેલાડીઓને સ્પર્ધામાં સારા પ્રદર્શન માટે શુભેચ્છા પાઠવી અને ટુર્નામેન્ટના પ્રારંભની જાહેરાત કરી.
ઉદ્ઘાટન પછી મેચો શરૂ
રાષ્ટ્રગાન સાથે ઉદ્ઘાટન સમારંભ પૂર્ણ થયા બાદ વિવિધ યુનિવર્સિટીઓની ટીમો વચ્ચે ટેબલ ટેનિસની મેચો શરૂ થઈ હતી. કાર્યક્રમનું સંચાલન થયું હતું અને અંતે યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગના ફેનિલ પ્રજાપતિએ આભારવિધિ કરી હતી. સ્પર્ધા 28 નવેમ્બર સુધી યોજાવાની છે.
