ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF)ની ફિક્સ્ડ ડિપોઝિટમાંથી રકમ ઉપાડીને તાજેતરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય મૈત્રીમેચોના ખર્ચની ખોટ ભરવાનો પ્રમુખ કલ્યાણ ચૌબેનો પ્રસ્તાવ સભ્યોના વિરોધ બાદ અટક્યો છે. રવિવારે યોજાયેલી સ્પેશિયલ જનરલ બોડી મીટિંગ (SGBM)માં આ મુદ્દે ચર્ચા થઈ હતી. બેઠકમાં હાજર અધિકારીઓના જણાવ્યા અનુસાર, મોટાભાગના સભ્યોએ ડિપોઝિટમાંથી નાણાં ઉપાડવાના પ્રસ્તાવ સામે વાંધો ઉઠાવ્યો હતો.
બ્રાઝિલ, ઉરુગ્વે અને પનામા સામેની ત્રણ મૈત્રીમેચોના આયોજનનો ખર્ચ અંદાજે રૂ. 80 કરોડથી રૂ. 85 કરોડ વચ્ચે થઈ શકે છે. બેઠકમાં ખોટની ચોક્કસ રકમ જણાવવામાં આવી નહોતી. એક રાજ્ય ફૂટબોલ સંઘના અધિકારીએ PTIને જણાવ્યું હતું કે કરારની ગોપનીયતાની શરતને કારણે નાણાકીય વિગતો જાહેર કરવામાં આવી નહોતી.
ડિપોઝિટ અંગેનો વાંધો
બેઠકમાં ચૌબેએ ફિક્સ્ડ ડિપોઝિટ વટાવીને ખોટની રકમ ચૂકવવાનો પ્રસ્તાવ મૂક્યો હોવાનું અધિકારીઓએ જણાવ્યું. એક અધિકારીના કહેવા પ્રમાણે, ચૌબેએ બાદમાં બહારથી ભંડોળની વ્યવસ્થા કરીને ડિપોઝિટમાંથી ઉપાડેલી રકમ પરત આપવાની વાત પણ કરી હતી. જોકે, AIFFના ઉપપ્રમુખ એન.એ. હારિસે જણાવ્યું હતું કે ફેડરેશનની એક્ઝિક્યુટિવ કમિટીએ ડિપોઝિટ વટાવી ન શકાય એવો નિર્ણય લીધો છે. સભ્યોએ પણ તેને કટોકટીની સ્થિતિ માટે જ રાખવાની વાત કરી હતી.
AIFFના એક્ઝિક્યુટિવ કમિટીના સભ્યએ પણ ચૌબેના પ્રસ્તાવની પુષ્ટિ કરી હતી. તેમના જણાવ્યા અનુસાર, ઓનલાઈન બેઠકમાં હાજર લગભગ તમામ સભ્યોએ ડિપોઝિટમાંથી નાણાં ઉપાડવા સામે વાંધો લીધો હતો. AIFFના પ્રમુખે આ મુદ્દે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો અને બેઠકને આંતરિક ગણાવી હતી.
મુદ્દો ફરી કમિટી સમક્ષ
બેઠકમાં ભૂતપૂર્વ AIFF પ્રમુખ પ્રફુલ્લ પટેલે અગાઉની SGBMમાં બહારથી ભંડોળ લાવવાની વાત થઈ હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ફેડરેશનને લેણદારોને ક્યારે અને કેટલી રકમ ચૂકવવી પડશે તેની વિગતો સભ્યોને આપવા કહ્યું હોવાનું બેઠકમાં હાજર રાજ્ય સંઘના અધિકારીએ જણાવ્યું.
આ મુદ્દે જનરલ બોડીના કેટલાક સભ્યો સાથે ચર્ચા કરવા હારિસને આમંત્રિત કરવાનું નક્કી થયું છે. ત્યારબાદ ડિપોઝિટ વટાવીને દેવું ચૂકવવું કે નહીં તે અંગેનો પ્રસ્તાવ ફરી એક્ઝિક્યુટિવ કમિટી સમક્ષ મૂકવામાં આવશે. બેઠકમાં એક સભ્યએ ફેડરેશનની ખોટ ચાલુ રહે તો ચેમ્પિયનશિપ, ફૂટબોલ વિકાસ કાર્યક્રમો, સંતોષ ટ્રોફી અને અન્ય સ્પર્ધાઓનું ભંડોળ કેવી રીતે ઊભું કરાશે તે અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.
