ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર ઉસ્માન ખ્વાજાએ કહ્યું છે કે 2018ના ‘સેન્ડપેપરગેટ’ વિવાદ અંગે જાહેરમાં બોલવાનો નિર્ણય તેમણે બાળપણના મિત્ર ડેવિડ વોર્નરને આપેલા વચનને કારણે કર્યો. ખ્વાજાના કહેવા પ્રમાણે, વોર્નરને પોતાની વાત કહેવાની તક મળે તે માટે તેમણે સત્ય બહાર લાવવાનું વચન આપ્યું હતું.

ખ્વાજાએ પોતાની આગામી આત્મકથા ‘Sabr’માં દાવો કર્યો છે કે દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં બોલ સાથે ચેડાંની ઘટનાની જવાબદારી માત્ર ત્રણ ખેલાડીઓની નહીં, પરંતુ ટીમ તરીકે સૌની હતી. તેમના આ દાવા અંગે ચર્ચા શરૂ થયા બાદ તેમણે સોશિયલ મીડિયા પર મૂકેલા બે ભાગના વીડિયોમાં પોતાની વાત સ્પષ્ટ કરી. તેમણે કહ્યું કે ‘આપણે સૌ જવાબદાર’ હોવાનો ઉલ્લેખ કોઈ એક ખેલાડી તરફ આંગળી ચીંધવા માટે નહોતો, પરંતુ સામૂહિક જવાબદારી સ્વીકારવાની વાત હતી.

ખ્વાજાના જણાવ્યા અનુસાર, 2018ની ઘટનાના થોડા દિવસમાં જ તેમણે જે જોયું અને સાંભળ્યું હતું તે લખી રાખ્યું હતું. તે સમયે અન્ય ખેલાડીઓને સજા થયા બાદ તેમણે તત્કાલીન કેપ્ટન સ્ટીવ સ્મિથને મીડિયા સમક્ષ આખી વાત કહેવાની ઈચ્છા જણાવી હતી, પરંતુ સ્મિથે તેમને રોક્યા હતા. ખ્વાજાએ એમ પણ કહ્યું કે 2021માં વિવાદ ફરી ચર્ચામાં આવ્યો ત્યારે તેમણે પૂર્વ કોચ જસ્ટિન લેંગર અને ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ એસોસિયેશનના તત્કાલીન વડા ટોડ ગ્રીનબર્ગ સાથે આ મુદ્દે વાત કરી હતી; જોકે, સાથી ખેલાડીઓ સાથે ટકરાવા તેઓ તૈયાર નહોતા.

ટીમમાં હોવા છતાં બોલવામાં સંકોચ

ખ્વાજાએ કહ્યું કે તેઓ રમતા હતા ત્યારે આ મુદ્દે સૌપ્રથમ જાહેરમાં બોલવાથી ટીમના વાતાવરણ પર અસર પડી શકે એવી તેમને ચિંતા હતી. તેમણે વોર્નર, સ્મિથ અને કેમેરોન બેનક્રોફ્ટને વિવાદનો સૌથી વધુ બોજ સહન કરનારા ગણાવ્યા અને કહ્યું કે તેમની વાતનો હેતુ દોષ કોઈ બીજા પર નાખવાનો નહીં, પરંતુ ટીમની સામૂહિક જવાબદારીની ચર્ચા કરવાનો છે.