દોહાના વેસ્ટ એન્ડ પાર્ક ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં 22 નવેમ્બરે રમાયેલી એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સની ગ્રુપ મેચમાં પાકિસ્તાન-એએ ભારત-એને 48 રનથી હરાવ્યું. પાકિસ્તાન-એએ 313 રન કર્યા હતા. 314 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારત-એની ઇનિંગ્સમાં 44મી ઓવરના પહેલા બોલે મેદાન પર વિવાદ થયો.
પાકિસ્તાન-એના ઝડપી બોલર અલી રઝા ઓવર ધ વિકેટ બોલિંગ કરી રહ્યા હતા. શાહબાઝ અહમદ સ્ટ્રાઇક પર હતા, જ્યારે નોન-સ્ટ્રાઇકર છેડે રહેલા ભારતીય કેપ્ટન તિલક વર્મા બોલર જે બાજુથી બોલિંગ કરતા હતા એ જ બાજુ ઊભા હતા. શાહબાઝે પ્રથમ બોલ મિડ-ઓફ તરફ રમ્યો હતો. જોકે, અમ્પાયરે તિલકની પોઝિશનને ધ્યાનમાં લઈને બોલ ડેડ જાહેર કર્યો અને અલી રઝાને ફરીથી બોલ નાખવા કહ્યું.
અમ્પાયરના નિર્ણય સામે પાકિસ્તાની ખેલાડીઓનો વાંધો
અમ્પાયરના નિર્ણય બાદ પાકિસ્તાન-એના કેપ્ટન અબ્દુલ સમદ અને અન્ય ખેલાડીઓએ મેદાન પર અમ્પાયરો સાથે ચર્ચા કરી. તેઓએ નિર્ણય સામે સવાલ ઉઠાવ્યા હતા. તિલક વર્માએ પણ અબ્દુલ સમદ સાથે વાત કરી. અમ્પાયરે નિર્ણય બદલ્યો નહીં અને બોલ ફરીથી નાખવામાં આવ્યો.
ફરી નાખેલા બોલ પર શાહબાઝે એક રન લીધો. આમ, પહેલાંનો ડોટ બોલ ગણાયો નહીં અને ભારત-એને એક રન મળ્યો. આ જ ઓવરમાં અલી રઝાએ શાહબાઝને આઉટ કર્યા. 44મી ઓવરની આ ઘટનાએ મેચના અંતિમ તબક્કામાં ચર્ચા જગાવી, પરંતુ ભારત-એ લક્ષ્ય સુધી પહોંચી શક્યું નહીં.
ભારત-એની ઇનિંગ્સ 265 રને પૂરી થઈ અને પાકિસ્તાન-એએ 48 રનથી જીત નોંધાવી. આ મુકાબલો ટુર્નામેન્ટના ગ્રુપ તબક્કાનો હતો.
