સુરત જિલ્લા ક્રિકેટ એસોસિએશન (SDCA)ની વાર્ષિક સામાન્ય સભામાં મહિલા ખેલાડીની પસંદગી સાથે જોડાયેલા ગંભીર આક્ષેપો સહિત પસંદગી પ્રક્રિયા અને એસોસિએશનના વહીવટ અંગે ઉગ્ર ચર્ચા થઈ હતી. સભામાં 200થી વધુ સભ્યો હાજર રહ્યા હતા. એક સભ્યએ દાવો કર્યો હતો કે ભૂતકાળમાં એક કોચે મહિલા ખેલાડીને ટીમમાં પસંદગી મેળવવા માટે રાત્રે ચેટ કરવાનું કહ્યું હતું. એસોસિએશનના સચિવ ડૉ. નૈમિષ દેસાઈએ આ આક્ષેપો નકારી કાઢીને નક્કર પુરાવા મળે તો કાયદેસરની કડક કાર્યવાહી કરવાની વાત કરી હતી.
સભ્ય પ્રતીક શાહે AGM દરમિયાન આક્ષેપ કર્યો હતો કે કોચે મહિલા ખેલાડીને સંદેશ મોકલી કહ્યું હતું કે પસંદગી મેળવવી હોય તો રાત્રે ચેટ કરવી પડશે. શાહે એવો પણ દાવો કર્યો હતો કે સચિવને આ બાબતની જાણ હોવા છતાં કોચને બચાવવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે ક્રિકેટ વહીવટમાં કથિત અનિયમિતતાઓ અંગે તેમની પાસે ફોન રેકોર્ડિંગ સહિતના પુરાવા છે અને તે પોલીસ સમક્ષ રજૂ કરવામાં આવશે.
ટેન્ડર, ISPL ચુકવણી અને હિતોના ટકરાવ અંગે સવાલો
સભામાં એસોસિએશનની નાણાકીય અને વહીવટી કામગીરી અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. શાહે ઓડિટ રિપોર્ટનો ઉલ્લેખ કરીને દાવો કર્યો હતો કે ટેન્ડર પ્રક્રિયા વિના કામ કરવામાં આવ્યું હતું. તેમણે એવો આક્ષેપ પણ કર્યો હતો કે ISPL સાથેના વ્યવહારમાં ઔપચારિક કરાર કરવામાં આવ્યો ન હતો અને ઇન્વૉઇસ વિના સચિવના વ્યક્તિગત ઈમેલ મારફતે વ્યવહારો થયા હતા.
શાહના જણાવ્યા અનુસાર, ₹5 કરોડની માંગ સામે ₹2.5 કરોડ મળ્યા હતા અને તેને અંતિમ ચુકવણી તરીકે ગણવામાં આવ્યા હતા. તેમણે ક્રિકેટ સચિવ, હેડ કોચ અને પસંદગીકારો પોતાની ખાનગી ક્રિકેટ એકેડેમી ચલાવતા હોવાનો દાવો કરીને હિતોના ટકરાવનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.
જવાબમાં ડૉ. દેસાઈએ જણાવ્યું હતું કે ISPL સંબંધિત ઈમેલ મારફતે થયેલા વ્યવહારોને મેનેજિંગ કમિટીની મંજૂરી હતી. તેમના જણાવ્યા મુજબ, ₹2.5 કરોડ ઉપરાંત GSTની ગ્રાઉન્ડ ફી સંપૂર્ણપણે એસોસિએશનના બેંક ખાતામાં જમા કરવામાં આવી હતી અને હિસાબોને AGMમાં મંજૂરી આપવામાં આવી હતી. તેમણે પસંદગીકારો અથવા કોચ ખાનગી એકેડેમી ચલાવતા હોવાના આક્ષેપોને પણ નકારી કાઢ્યા હતા.
ઉંમરપાત્રતા અને પસંદગી પ્રક્રિયા પર ચર્ચા
શાહે એક ખેલાડીના જન્મતારીખના બે અલગ પ્રમાણપત્રો મળ્યા હોવાનો દાવો કર્યો હતો. તેમણે સુરતમાં આશરે 150થી 200 ક્રિકેટ એકેડેમીમાં 50,000થી 60,000 યુવાનો તાલીમ લેતા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમના આક્ષેપ મુજબ, ડોમિસાઇલ દસ્તાવેજો વિના બહારના ખેલાડીઓ અને ઓવરએજ ખેલાડીઓના સમાવેશને કારણે દર વર્ષે 1,000થી 1,500 સ્થાનિક પ્રતિભાશાળી ખેલાડીઓને તક ગુમાવવી પડે છે.
તેમણે પસંદગી પ્રક્રિયામાં વધુ પારદર્શિતા લાવવા અને ટ્રાયલ મેચોના સ્કોર ફરજિયાત રીતે ઓનલાઈન મૂકવાની માંગ કરી હતી. શાહે એમ પણ કહ્યું હતું કે સુરતમાંથી અગાઉ સાત કે આઠ રણજી ટ્રોફી ખેલાડીઓ ઊભા થયા હતા, પરંતુ હવે શહેરની આશરે 50 લાખની વસ્તી હોવા છતાં સમાન સ્તરના ખેલાડીઓ તૈયાર થઈ રહ્યા નથી.
મહિલા ખેલાડી અંગેના આક્ષેપના જવાબમાં દેસાઈએ કહ્યું હતું કે AGM પહેલાં આ મુદ્દે કોઈ ખેલાડી અથવા વાલીની ફરિયાદ એસોસિએશનને મળી ન હતી. તેમણે એસોસિએશનની ‘ઝીરો ટોલરન્સ’ નીતિનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે ટીમ સાથે મહિલા કોચ પણ કામ કરે છે અને એસોસિએશન બાળ સુરક્ષા નીતિ હેઠળ કાર્ય કરે છે. તેમના જણાવ્યા મુજબ, નક્કર પુરાવા મળે તો કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
જન્મતારીખના પ્રમાણપત્ર અંગે દેસાઈએ જણાવ્યું હતું કે ખેલાડીના દસ્તાવેજો ગુજરાત ક્રિકેટ એસોસિએશનને મોકલવામાં આવ્યા હતા અને બોન ટેસ્ટ બાદ મંજૂરી આપવામાં આવી હતી. તેમણે એસોસિએશન સામેના તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા.
