રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ માટે ભારત ‘A’ની 15 સભ્યોની ટીમમાં ઝડપી બોલર હર્ષિત રાણાનો સમાવેશ થયો છે. તિલક વર્માને સુકાની અને રજત પાટીદારને ઉપસુકાની બનાવવામાં આવ્યા છે. અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી અને રિંકુ સિંહ સહિતના ખેલાડીઓ પણ ટીમમાં છે.

ટીમમાં વિકેટકીપર તરીકે પ્રભસિમરન સિંહ અને કુમાર કુશાગ્રનો સમાવેશ છે. અન્ય ખેલાડીઓમાં સૂર્યાંશ શેડગે, શાહબાઝ અહેમદ, વિપ્રજ નિગમ, હર્ષ દુબે, તનુષ કોટિયન, પ્રિન્સ યાદવ અને અર્શદ ખાન છે.

ટુર્નામેન્ટ 19થી 29 નવેમ્બર દરમિયાન કતારના દોહામાં રમાશે. ભારત ‘A’ને ગ્રુપ Bમાં UAE, નેપાળ અને પાકિસ્તાન ‘A’ સાથે સ્થાન મળ્યું છે. ગ્રુપ તબક્કામાં ભારત 20 નવેમ્બરે નેપાળ, 22 નવેમ્બરે પાકિસ્તાન ‘A’ અને 24 નવેમ્બરે UAE સામે રમશે. આ મુકાબલા વેસ્ટ એન્ડ પાર્ક ઇન્ટરનેશનલ સ્ટેડિયમ અને યુનિવર્સિટી ઑફ દોહા ફોર સાયન્સ એન્ડ ટેક્નોલોજી ખાતે યોજાવાના છે.

દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો સેમિફાઇનલમાં પહોંચશે. સેમિફાઇનલ 26 અને 27 નવેમ્બરે, જ્યારે ફાઇનલ 29 નવેમ્બરે રમાશે.