અંડર-19 એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાન સામે ભારતને છેલ્લી ઘડીએ જીત અપાવનાર રાજકોટના મોહિત ઉલ્વાના ઘરે ઉજવણીનો માહોલ છે. 338 રનના લક્ષ્યાંકનો પીછો કરતી ભારતીય ટીમ મુશ્કેલીમાં હતી ત્યારે મોહિતે 26 બોલમાં અણનમ 49 રન કર્યા અને છેલ્લી બોલે ચોગ્ગો ફટકારી ભારતને એક વિકેટથી જીત અપાવી. આ જીત બાદ રાજકોટમાં તેના પરિવારે મીઠાઈ વહેંચીને ખુશી વ્યક્ત કરી.

મોહિતના પિતા મહેશભાઈ ઉલ્વાએ જણાવ્યું કે ફાઇનલમાં વિજયી ફટકો લાગ્યો ત્યારે પરિવારના સભ્યો ખુશીથી ઝૂમી ઊઠ્યા હતા. તેમના કહેવા પ્રમાણે, મોહિત ઓલરાઉન્ડર તરીકે બેટિંગ અને બોલિંગની નિયમિત પ્રેક્ટિસ કરે છે. પ્રેક્ટિસ દરમિયાન તે રોજ 400થી 500 બોલ રમતો હતો. પિતાએ આ મહેનતનું ફળ ફાઇનલની ઇનિંગમાં મળ્યું હોવાનું કહ્યું.

જામનગરથી રાજકોટ સુધીની તાલીમ

મહેશભાઈના જણાવ્યા અનુસાર, મોહિતે 2016માં ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. શરૂઆતનાં સાડા ત્રણ વર્ષ તેણે જામનગર ક્રિકેટ બંગલે મહેન્દ્રસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ તાલીમ લીધી. પિતાનું રાજકોટમાં ટ્રાન્સફર થયા બાદ મોહિત છેલ્લા છ વર્ષથી રાજકોટના રેલવે આરડીએસ ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરે છે.

પિતાએ જણાવ્યું કે મોહિતે અંડર-16 અને અંડર-19 સ્તરે વિજય મર્ચન્ટ, વિનુ માંકડ અને કૂચ બિહાર જેવી ટૂર્નામેન્ટમાં કેપ્ટન તરીકે ભાગ લીધો હતો. ખેલાડી તરીકે આગળ વધવામાં સાથ આપવા બદલ તેમણે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનો આભાર માન્યો. મોહિતને આગળ જતાં ભારતીય સિનિયર ટીમમાં રમતો જોવાની આશા પણ તેમણે વ્યક્ત કરી.

ફાઇનલમાં છેલ્લી ઘડીએ પલટાયો મુકાબલો

પાકિસ્તાને 50 ઓવરમાં 337 રન કર્યા હતા. લક્ષ્યાંકનો પીછો કરતી ભારતની આઠ વિકેટ પડી ગઈ ત્યારે મોહિત અને મનાલ ચૌહાણે 35 બોલમાં 57 રનની ભાગીદારી કરી. મનાલ 47 રને આઉટ થયા પછી ચિગુરુપતિ વેંકટાએ મોહિતને સાથ આપ્યો. ભારતને છેલ્લી બોલે ત્રણ રનની જરૂર હતી; મોહિતે ચોગ્ગો ફટકારતાં ટીમ 339 રન સુધી પહોંચી અને ફાઇનલ જીતી. મોહિત 49 રને અણનમ રહ્યો.