પાકિસ્તાનના વિકેટકીપર-બેટર મોહમ્મદ રિઝવાને નેશનલ સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NCCIA)ની તપાસ અંગે ફરી એકવાર સ્પષ્ટતા માંગી છે. રિઝવાને એજન્સીને લખેલા ત્રીજા પત્રમાં જણાવ્યું છે કે પ્રારંભિક નોટિસમાં પાકિસ્તાન ક્રિકેટમાં ઓનલાઇન બેટિંગ અને ગેમ્બલિંગ સંબંધિત તપાસનો ઉલ્લેખ હતો, જ્યારે તાજેતરના પત્રમાં માત્ર Prevention of Electronic Crimes Act, 2016 (PECA)ની ‘સંબંધિત જોગવાઈઓ’ હેઠળ તપાસની વાત કરવામાં આવી છે.
રિઝવાને પૂછ્યું છે કે તપાસ હજુ પણ બેટિંગ અને ગેમ્બલિંગ સંબંધિત છે કે તેનો વ્યાપ બદલવામાં આવ્યો છે. તેમણે PECA 2016ની ચોક્કસ કઈ જોગવાઈ લાગુ પડે છે તેની પણ લેખિત માહિતી માગી છે. તાજેતરની નોટિસમાં બેટિંગ અથવા ગેમ્બલિંગનો સ્પષ્ટ ઉલ્લેખ ન હોવાથી રિઝવાને તપાસના આધાર અંગે સવાલ ઉઠાવ્યો છે.
2 ઓક્ટોબરે NCCIA સમક્ષ હાજરી
રિઝવાને નોટિસ મળ્યાની પુષ્ટિ કરતાં 2 ઓક્ટોબરે NCCIA સમક્ષ હાજર થવાની તૈયારી દર્શાવી છે. તેમણે તપાસમાં સહકાર આપવાની વાત સાથે એજન્સી પાસેથી પોતાના વિરુદ્ધના ચોક્કસ આક્ષેપો અને તપાસના વર્તમાન વ્યાપ અંગે સ્પષ્ટતા માગી છે.
આ મામલે રિઝવાન વિરુદ્ધ કોઈ દોષસિદ્ધિ જાહેર થઈ નથી અને તપાસ હજુ ચાલુ છે. તાજેતરના અહેવાલો અનુસાર, લાહોર હાઇકોર્ટે NCCIAને તપાસ આગળ વધારવાની મંજૂરી આપી હતી, પરંતુ રિઝવાનને હેરાન ન કરવા અને કાયદા મુજબ કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો હતો.
