IPL 2027ની હરાજી પહેલાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પોતાની ખિતાબવિજેતા ટીમના મોટા ભાગના ખેલાડીઓને જાળવી રાખ્યા છે. મુખ્ય કોચ એન્ડી ફ્લાવરે કહ્યું છે કે ટીમ સતત ત્રીજું ટાઇટલ જીતવાનું લક્ષ્ય ધરાવે છે. અન્ય કેટલીક ફ્રેન્ચાઇઝીની સરખામણીએ હરાજીમાં ખર્ચ કરવાની ક્ષમતા ઓછી હોવા છતાં તેઓ હાલની ટીમથી સંતુષ્ટ છે.
RCBએ અમદાવાદમાં રમાયેલી ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સને પાંચ વિકેટે હરાવી સતત બીજું ટાઇટલ જીત્યું હતું. હવે 16 ડિસેમ્બરે ગોવામાં યોજાનારી હરાજી દ્વારા ટીમમાં જરૂરી સુધારા કરવાની તેની તૈયારી છે.
પાંચ જગ્યા ભરવા RCB પાસે રૂ. 14.15 કરોડ
વિરાટ કોહલી, જોશ હેઝલવુડ, ફિલ સોલ્ટ અને કેપ્ટન રજત પાટીદાર સહિતના મુખ્ય ખેલાડીઓ RCB સાથે યથાવત્ છે. ફ્રેન્ચાઇઝીએ ઇજાગ્રસ્ત ઇંગ્લિશ ઓલરાઉન્ડર જેકબ બેથેલ સહિત પાંચ ખેલાડીઓને છૂટા કર્યા છે. હવે તેની પાસે પાંચ ખાલી જગ્યા ભરવા રૂ. 14.15 કરોડ છે. આમાંથી એક જગ્યા વિદેશી ખેલાડી માટે છે.
JioStarના ‘TATA IPL 2027 Retention Special’ કાર્યક્રમમાં ફ્લાવરે જણાવ્યું હતું કે છેલ્લાં બે વર્ષ ટીમ માટે ખૂબ સારાં રહ્યાં છે. આ ચક્રના ત્રીજા વર્ષમાં પ્રવેશતી વખતે ખેલાડીઓના મુખ્ય સમૂહ અંગે ટીમને વિશ્વાસ છે અને મોટા ફેરફારો કરવાની જરૂર લાગતી નથી.
ફ્લાવરના જણાવ્યા પ્રમાણે, હરાજીમાં ટીમને વધુ સારી બનાવવાની જવાબદારી રહે છે અને RCB પણ એ દિશામાં પ્રયાસ કરશે. જોકે, અન્ય કેટલીક ટીમો જેટલી નાણાકીય છૂટ તેની પાસે નહીં હોય. છેલ્લા બે વર્ષમાં સફળતા અપાવનારું સંયોજન 2027માં પણ સારું પ્રદર્શન કરશે તેવી તેમને આશા છે.
ઇશાંતને છોડ્યા બાદ હર્ષલના અનુભવ પર ગુજરાતનો ભરોસો
ગુજરાત ટાઇટન્સના સહાયક કોચ પાર્થિવ પટેલે ઇશાંત શર્માને છૂટો કરવાનો નિર્ણય સરળ ન હોવાનું જણાવ્યું હતું. ઇશાંત છેલ્લી બે સિઝનથી ટીમ સાથે હતો, પરંતુ ગત સિઝનમાં તેને એક પણ મેચ રમવા મળી નહોતી. ટીમે લ્યુક વુડ અને કોનોર એસ્ટરહુઇઝનને પણ છૂટા કર્યા છે.
પાર્થિવે કહ્યું કે ઇશાંતનો ડ્રેસિંગરૂમમાં ખેલાડીઓ પર સારો પ્રભાવ હતો. ભારત માટે 100 ટેસ્ટ રમેલા ખેલાડીને આખી IPL સિઝનમાં તક ન મળે તે મુશ્કેલ સ્થિતિ છે. ટીમ 2025માં પ્લેઓફમાં અને ગત સિઝનમાં ફાઇનલમાં પહોંચી હોવાથી મોટી સંખ્યામાં ખેલાડીઓને છોડવાની જરૂર નહોતી, એમ તેમણે ઉમેર્યું હતું.
ગુજરાતે સનરાઇઝર્સ હૈદરાબાદ પાસેથી ટ્રેડ દ્વારા હર્ષલ પટેલને ટીમમાં સામેલ કર્યો છે. પાર્થિવના મતે, ઇશાંતના ગયા પછી ટીમને અનુભવી બોલરની જરૂર હતી. ગુજરાતના હર્ષલને સ્થાનિક પરિસ્થિતિની સમજ છે અને તે અંતિમ ઓવરોમાં બોલિંગનો વિકલ્પ પણ આપે છે.
પાર્થિવે હર્ષલની યોર્કર, ધીમા બોલ અને દબાણમાં બોલિંગ કરવાની ક્ષમતાનો ઉલ્લેખ કર્યો હતો. તેમના જણાવ્યા પ્રમાણે, મોટીમેચોનો હર્ષલનો અનુભવ યુવા બોલરોને પણ મદદરૂપ થઈ શકે છે.
KKR હરાજીમાં બેટિંગ મજબૂત કરશે
કોલકાતા નાઇટ રાઇડર્સના મુખ્ય કોચ અભિષેક નાયરે બેટિંગને સુધારાની મુખ્ય જરૂરિયાત ગણાવી છે. તેમણે કહ્યું કે ટીમે ટ્રેડ દ્વારા ખેલાડીઓ મેળવવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ હવે હરાજીમાં બેટિંગને મજબૂત કરી શકે તેવા ખેલાડીઓ શોધશે.
નાયરે બોલિંગના પ્રદર્શનથી સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમના જણાવ્યા પ્રમાણે, વિકેટ લેવામાં KKR પ્રથમ ક્રમે હતી અને ઇનિંગ્સના અલગ અલગ તબક્કામાં બોલરોએ સારું પ્રદર્શન કર્યું હતું. તેથી હરાજીમાં ટીમનું મુખ્ય ધ્યાન બેટિંગ માટે વધુ વિકલ્પો મેળવવા પર રહેશે.
