ભારતીય મહિલા ક્રિકેટ ટીમની અનુભવી બેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાં ટીમની કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય જાહેર કર્યો છે. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું છે કે ભારત માટે ખેલાડી તરીકે રમવાનું અને ટીમની સફળતામાં યોગદાન આપવાનું ચાલુ રાખશે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ હરમનપ્રીતના નિર્ણયને આવકાર્યો છે. BCCI પ્રમુખ મિથુન મનહાસે જણાવ્યું કે કેપ્ટન તરીકે હરમનપ્રીતનું યોગદાન ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં વિશેષ સ્થાન ધરાવશે. તેમના મતે, 2025નો મહિલા વિશ્વ કપ વિજય હરમનપ્રીતની કેપ્ટનશિપની સૌથી મોટી સિદ્ધિ રહેશે.

2025નો વિશ્વ કપ વિજય સૌથી મોટી સિદ્ધિ

હરમનપ્રીતના નેતૃત્વમાં ભારતે 2025માં પ્રથમ વખત મહિલા ક્રિકેટ વિશ્વ કપ જીત્યો હતો. નવી મુંબઈમાં રમાયેલી ફાઇનલમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવીને પ્રથમ ODI વિશ્વ કપ ટ્રોફી મેળવી હતી.

ફાઇનલ પહેલાં ઓસ્ટ્રેલિયા સામેની સેમિફાઇનલમાં પણ હરમનપ્રીતની મહત્વની ભૂમિકા રહી હતી. તેમણે 89 રન બનાવ્યા હતા અને જેમિમાહ રોડ્રિગ્સ સાથે 167 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારીની મદદથી ભારતે 339 રનના લક્ષ્યનો પીછો કર્યો હતો.

મિથુન મનહાસે કહ્યું કે હરમનપ્રીતના કાર્યકાળ દરમિયાન મહિલા ક્રિકેટમાં ભારતે નોંધપાત્ર પ્રગતિ કરી. એશિયન ગેમ્સના સુવર્ણ ચંદ્રકો અને અન્ય મહત્વની જીતોએ પણ તેમના યોગદાનને વધુ મજબૂત બનાવ્યું છે.

એક દાયકાથી વધુ લાંબી કેપ્ટનશિપ

હરમનપ્રીપ્રીતે 2012માં પાકિસ્તાન સામેની મહિલા T20 એશિયા કપ ફાઇનલમાં પ્રથમ વખત ભારતનું નેતૃત્વ કર્યું હતું. તે સમયે મિતાલી રાજ અને ઝુલન ગોસ્વામી ઈજાના કારણે ઉપલબ્ધ નહોતા. હરમનપ્રીતની આગેવાનીમાં ભારતે તે મેચ 18 રનથી જીતીને ટૂર્નામેન્ટનું પ્રથમ ખિતાબ મેળવ્યું હતું.

2016માં તેઓ ભારતની નિયમિત T20I કેપ્ટન બન્યાં. મિતાલી રાજની નિવૃત્તિ બાદ 2022માં હરમનપ્રીતને ODI અને ટેસ્ટ ટીમની સંપૂર્ણ સમયની કેપ્ટનશિપ સોંપવામાં આવી.

તેમના નેતૃત્વ હેઠળ ભારત 2020 મહિલા T20 વિશ્વ કપની ફાઇનલમાં પહોંચ્યું હતું. 2022ની કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે રજત ચંદ્રક જીત્યો હતો. એ જ વર્ષે ભારતે એશિયન ગેમ્સમાં પ્રથમ વખત સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો અને ગયા મહિને નાગોયા, જાપાનમાં આ ખિતાબનો સફળતાપૂર્વક બચાવ કર્યો હતો.

ખેલાડી તરીકે યોગદાન ચાલુ રાખશે

BCCIને આપેલા સંદેશમાં હરમનપ્રીતે કહ્યું કે ભારતનું નેતૃત્વ કરવું તેમના જીવનના સૌથી મોટા સન્માનોમાંનું એક રહ્યું છે. ટીમને નવી આગેવાની હેઠળ આગળ વધવાનો સમય આવી ગયો છે એવું માનીને તેમણે કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય લીધો હોવાનું જણાવ્યું.

BCCI સચિવ દેવજિત સૈકિયાએ કહ્યું કે હરમનપ્રીતને કેપ્ટન તરીકેની સિદ્ધિઓ પર ગર્વ હોવો જોઈએ. તેમણે ઉમેર્યું કે ખેલાડી તરીકે ટીમ સાથે જોડાયેલી હરમનપ્રીતનો અનુભવ અને પ્રભાવ યુવા ખેલાડીઓ માટે ઉપયોગી રહેશે.

આ વર્ષે હરમનપ્રીત મહિલા ક્રિકેટમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમનાર ખેલાડી બન્યાં હતાં. તેઓ 200 T20I રમનાર પ્રથમ ખેલાડી અને 150 T20Iમાં કેપ્ટનશિપ કરનાર પ્રથમ ખેલાડી પણ બન્યાં હતાં. 2017ના મહિલા વિશ્વ કપ સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે અણનમ 171 રનની તેમની ઇનિંગ્સ ભારતીય મહિલા ક્રિકેટની યાદગાર પારીઓમાં ગણાય છે.