2027ના ICC વનડે વર્લ્ડ કપની ટિકિટ માટે અત્યાર સુધીમાં 12 કરોડથી વધુ વિનંતીઓ મળી છે. ટિકિટ બેલેટ માટે 193 દેશોના આશરે 28 લાખ ચાહકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. સૌથી વધુ માંગ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે છે. આ મેચ માટે 83,97,294 ટિકિટ વિનંતીઓ નોંધાઈ છે.

દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા સંયુક્ત રીતે આ વર્લ્ડ કપનું આયોજન કરશે. આફ્રિકામાં 24 વર્ષ બાદ વનડે વર્લ્ડ કપ યોજાવાનો છે. ટૂર્નામેન્ટમાં 14 ટીમો ભાગ લેશે અને ત્રણ દેશનાં 12 શહેરોમાં કુલ 57 મેચ રમાશે. ટિકિટ બેલેટ માટે રજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ 21 નવેમ્બર 2026 છે.

ભારત-પાકિસ્તાન મેચ અને ફાઇનલની માંગ

ભારત-પાકિસ્તાનની મેચ 10 ઑક્ટોબરે જોહાનિસબર્ગના વાંડરર્સ સ્ટેડિયમમાં રમાશે. આ જ મેદાન પર 21 નવેમ્બરે યોજાનારી ફાઇનલ માટે 79,00,944 ટિકિટ વિનંતીઓ મળી છે. આ આંકડા ટૂર્નામેન્ટની બંને મોટીમેચો માટેની ઊંચી માંગ દર્શાવે છે.

દક્ષિણ આફ્રિકામાં યોજાનારી 41 મેચ માટે આઠ સ્થળોએ 10.5 કરોડથી વધુ ટિકિટ વિનંતીઓ મળી છે. દક્ષિણ આફ્રિકા સાથે જોડાયેલી મેચો માટે આશરે 2.6 કરોડ અરજીઓ નોંધાઈ છે. ઝિમ્બાબ્વેમાં મેચો માટેની માંગ 1.3 કરોડને વટાવી ગઈ છે. વિક્ટોરિયા ફૉલ્સના નવા મોસી-ઓઆ-તુન્યા ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં 24 ઑક્ટોબરે રમાનારી ઝિમ્બાબ્વે-ભારત મેચ માટે 33 લાખથી વધુ વિનંતીઓ મળી છે.

નામીબિયાની રાજધાની વિન્ડહોકના નામિબિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોજાનારી છ મેચ માટે 20 લાખથી વધુ અરજીઓ આવી છે. આ સ્થળે 8 ઑક્ટોબરે રમાનારી ઇંગ્લેન્ડ-બાંગ્લાદેશ મેચ માટે આશરે 9 લાખ ટિકિટ વિનંતીઓ નોંધાઈ છે. રજીસ્ટ્રેશન કરનારા દેશોમાં દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ભારત, અમેરિકા અને ઑસ્ટ્રેલિયા સૌથી આગળ છે. સમગ્ર આફ્રિકી ખંડમાંથી 1.49 કરોડથી વધુ વિનંતીઓ મળી છે.

બેલેટમાં અરજી કરવાની રીત

ટિકિટ બેલેટમાં ભાગ લેવા માટે કોઈ ફી નથી અને રજીસ્ટ્રેશન કરતી વખતે ચુકવણી કરવાની નથી. એક વ્યક્તિ એક મેચ માટે એક જ અરજી કરી શકે છે, પરંતુ ટૂર્નામેન્ટની એકથી વધુ મેચ માટે અલગથી અરજી કરી શકે છે. પ્રક્રિયા પહેલાં આવો, પહેલાં મેળવોના ધોરણે નહીં ચાલે. રજીસ્ટ્રેશન સમયગાળામાં અરજી ક્યારે કરવામાં આવી તેનાથી ટિકિટ મળવાની શક્યતા બદલાતી નથી.

કોઈ મેચ માટે અરજીઓ ઉપલબ્ધ ટિકિટ કરતાં વધુ હશે તો રેન્ડમ બેલેટ દ્વારા નક્કી થશે કે કોને ટિકિટ ખરીદવાની તક મળશે. સફળ અને અસફળ બંને અરજદારોને રજીસ્ટ્રેશન વખતે આપેલા ઈમેઇલ સરનામે જાણ કરવામાં આવશે. સફળ અરજદારોને ખરીદીની આગળની પ્રક્રિયા વિશે માહિતી મળશે.

અરજી માટે tickets.cricketworldcup.com પર ખાતું બનાવીને પસંદગીની મેચ, ટીમ અથવા સ્ટેડિયમ પસંદ કરી શકાય છે. બેલેટ માટેની છેલ્લી સમયમર્યાદા 21 નવેમ્બર 2026ની રાત્રે 11:59 (CAT) છે, જે ભારતીય સમય મુજબ બપોરે 3:29 થાય છે. આ સમયગાળામાં રજીસ્ટ્રેશન ન કરાવનાર ચાહકો બેલેટની આ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે નહીં.