યુવા બાબતો અને રમતગમત મંત્રાલયે રાષ્ટ્રીય રમતગમત મહાસંઘો (NSF)ને સહાય આપતી સુધારેલી યોજનાની કામગીરી માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. આ યોજના 2026-27થી 2030-31ના સમયગાળાને આવરી લે છે અને 16મા નાણાં પંચના ચક્ર સાથે જોડાયેલી છે. તેના માટે કુલ રૂ. 7,386.74 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
આ યોજના ઓલિમ્પિક્સ, એશિયન ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ, પેરાલિમ્પિક્સ અને વિશ્વ ચેમ્પિયનશિપ જેવી મોટી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓની તૈયારી કરતા ભારતીય ખેલાડીઓને સહાય આપવાનું મુખ્ય માળખું છે.
તાલીમ અને ખેલાડીઓની સહાય
યોજનામાં રાષ્ટ્રીય કોચિંગ કેમ્પ, અકાદમીઓમાં તાલીમ અને ખેલાડીઓની દૈનિક જરૂરિયાતો માટે સહાયનો સમાવેશ થાય છે. તેમાં રહેવા-જમવાની વ્યવસ્થા, રમતગમતની કિટ, વીમો અને રમત વિજ્ઞાનની સુવિધાઓનો ખર્ચ આવરી લેવાશે. વિદેશી કોચ, હાઈ પર્ફોર્મન્સ ડિરેક્ટર તેમજ ફિઝિયોથેરાપિસ્ટ, રમત વિજ્ઞાનીઓ અને ડૉક્ટર જેવા સહાયક કર્મચારીઓની નિમણૂક માટે પણ ભંડોળ મળી શકશે.
આંતરરાષ્ટ્રીય તાલીમ કાર્યક્રમો અને સ્પર્ધાઓમાં ભાગ લેવા માટેની વિદેશી તકો, વરિષ્ઠ, જુનિયર અને સબ-જુનિયર રાષ્ટ્રીય ચેમ્પિયનશિપનું આયોજન, પાયાના સ્તરે તથા જુનિયર ખેલાડીઓનો વિકાસ અને મહાસંઘોના વહીવટ તથા સંચાલનને લગતી કામગીરી પણ યોજનાના દાયરામાં છે.
આંતરરાષ્ટ્રીય આયોજન અને તાલીમ કેન્દ્રો
ભારતમાં આંતરરાષ્ટ્રીય રમતગમત સ્પર્ધાઓ યોજવા માટે મહાસંઘોને વધુમાં વધુ રૂ. 50 કરોડ સુધીની સહાય મળી શકે છે. સહાયની રકમ સ્પર્ધાના પ્રકાર અને મહત્ત્વ, તેમજ તેમાં ભાગ લેનારા દેશો અને ખેલાડીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને નક્કી થશે. મહાસંઘોની દરખાસ્તોનું મૂલ્યાંકન રમતગમત સચિવની અધ્યક્ષતાવાળી સમિતિ કરશે.
સુધારેલી યોજનામાં અલગ-અલગ રમતો માટે ઓલિમ્પિક તાલીમ કેન્દ્રો (OTC) સ્થાપવાની જોગવાઈ પણ છે. અદ્યતન સુવિધા, આધુનિક રમત વિજ્ઞાનનાં સાધનો અને નિષ્ણાત કર્મચારીઓ ધરાવતાં આ કેન્દ્રોનો હેતુ ખેલાડીઓને ઊંચી કક્ષાની તૈયારી દેશમાં જ ઉપલબ્ધ કરાવવાનો છે. કેન્દ્રોમાં તાલીમ લેતા શ્રેષ્ઠ ખેલાડીઓને કોચ, ટેકનિકલ સ્ટાફ, રમત વિજ્ઞાન સેવાઓ અને વિશેષ સાધનોની સહાય મળશે.
રાષ્ટ્રીય રમતોના આયોજન માટે પણ વધુમાં વધુ રૂ. 50 કરોડ સુધીની સહાય રાખવામાં આવી છે. તેમાં રમતગમતનાં સાધનો, સમય અને સ્કોર નોંધવાની તથા પરિણામો આપવાની સેવાઓ, ટેકનિકલ અધિકારીઓનું મહેનતાણું અને સ્પર્ધાના ટેકનિકલ આયોજનનો ખર્ચ સામેલ છે.
સ્વદેશી રમતો અને આંતરરાષ્ટ્રીય સહકાર
સ્વદેશી રમતોના આંતરરાષ્ટ્રીય પ્રસાર માટે કામ કરતા મહાસંઘોને પણ સહાય મળી શકશે. તેમાં વૈશ્વિક સ્પર્ધાઓમાં સ્વદેશી રમતોને નિદર્શન રમત તરીકે સ્થાન અપાવવાના પ્રયાસો, વિદેશમાં રાષ્ટ્રીય મહાસંઘોની સ્થાપના અને ભારતમાં આવેલી સ્વદેશી રમતોની આંતરરાષ્ટ્રીય કે ખંડીય સંસ્થાઓને ટેકો આપવાનો સમાવેશ થાય છે.
ગ્લોબલ સાઉથના દેશો સાથે રમતગમતના સહકાર માટે પણ યોજના હેઠળ જોગવાઈ છે. ભારતીય રમતગમત સત્તામંડળ (SAI)નાં તેમજ SAI સિવાયનાં હાઈ પર્ફોર્મન્સ કેન્દ્રો શિષ્યવૃત્તિ અથવા રાહતદરે સુવિધાઓ આપીને વિદેશી ખેલાડીઓ અને કોચને તાલીમ આપી શકશે. BRICS અને BIMSTEC જેવી બહુપક્ષીય સંસ્થાઓ દ્વારા યોજાતી સ્પર્ધાઓ, પરિષદો, બેઠકો, સંશોધન અને વર્કશોપ માટે પણ સહાય મળી શકે છે. ભારતમાં કાર્યાલય ધરાવતી માન્ય આંતરરાષ્ટ્રીય કે ખંડીય સંસ્થાઓને સહાયનો નિર્ણય નિર્ધારિત સમિતિની ભલામણ અને કેસની વિગતોને આધારે લેવાશે.
