વડોદરામાં ગણેશોત્સવના અંતિમ દિવસે અનંત ચૌદસે ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું. વડોદરા મહાનગરપાલિકાએ નાગરિકોની સુવિધા અને પર્યાવરણની જાળવણી માટે શહેરમાં 12 જેટલા સ્થળોએ કૃત્રિમ તળાવો અને વિશેષ વિસર્જન કુંડ તૈયાર કર્યા હતા. આ સ્થળોએ અંતિમ દિવસે 25,000થી વધુ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું.
આ વર્ષે વડોદરા શહેરમાં ઘરો અને નાના-મોટા ગણેશ મંડળો મળીને 50 હજારથી વધુ પ્રતિમાઓની સ્થાપના થઈ હતી. અંતિમ દિવસ ઉપરાંત ગણેશોત્સવના બીજા, ત્રીજા, પાંચમા અને સાતમા દિવસે પણ આશરે 23 હજાર મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
રાજવી પરિવારની પ્રતિમાનું પરંપરાગત વિસર્જન
વડોદરાના રાજવી પરિવારે સ્થાપિત કરેલી ગણેશજીની પ્રતિમાનું વિસર્જન રાજમહેલ સંકુલમાં ખાસ તૈયાર કરાયેલા કુંડમાં કરવામાં આવ્યું. પરંપરાગત વાજિંત્રો, શરણાઈના નાદ, રાજવી પોશાકમાં સજ્જ પરિવારજનો અને લશ્કરી બેન્ડની સલામી વચ્ચે વિસર્જન યાત્રા નીકળી હતી.
શહેરમાં સવારથી નાની પ્રતિમાઓના વિસર્જનની શરૂઆત થઈ હતી, જ્યારે બપોર બાદ મોટી પ્રતિમાઓને વિસર્જન સ્થળોએ લાવવામાં આવી હતી. નવલખી મેદાન ખાતેના કૃત્રિમ તળાવમાં સૌથી વધુ વિસર્જન થયું હતું. અહીં નાની પ્રતિમાઓ ઉપરાંત 22 ફૂટ સુધીની પ્રતિમાઓનું પણ વિસર્જન કરાયું.
3,000થી વધુ પોલીસકર્મીઓનો બંદોબસ્ત
કાયદો અને વ્યવસ્થા જાળવવા શહેરમાં 2,000થી વધુ પોલીસકર્મીઓ સહિત 1 જોઈન્ટ સીપી, 8 ડીસીપી અને 12 જેટલા ઝોનલ પોલીસ અધિકારીઓ તૈનાત રહ્યા હતા. શહેર બહારથી 4 ડીસીપી, 10 એસીપી, 50 પીઆઈ-પીએસઆઈ અને 600થી વધુ પોલીસકર્મીઓની મદદ લેવામાં આવી હતી. આ ઉપરાંત SRPFની ચાર, CISFની એક, BSFની એક, રેપિડ એક્શન ફોર્સની બે અને સ્પેશિયલ એક્શન ફોર્સની એક કંપની પણ બંદોબસ્તમાં જોડાઈ હતી. વિસર્જન પ્રક્રિયા મોડી રાત સુધી ચાલી હતી.
