વડોદરા શહેરમાં અનંત ચતુર્દશીના દિવસે ગણેશ પ્રતિમાઓનું વિસર્જન મોડી સાંજ બાદ વધુ પ્રમાણમાં થયું હતું. 35 ડિગ્રી ગરમી વચ્ચે મોટાભાગનાં ગણેશ મંડળોએ સાંજે 5 વાગ્યા બાદ વિસર્જન યાત્રા શરૂ કરી હતી. શહેરના ચાર દરવાજા વિસ્તાર ઉપરાંત માંજલપુર, સુભાનપુરા અને ગોરવામાં પણ રસ્તાઓ પર પ્રતિમાઓની લાઈનો જોવા મળી હતી.
શહેરનાં 12 કૃત્રિમ તળાવોમાં સવારે 9થી સાંજે 4 વાગ્યા સુધી 2,087 પ્રતિમાનું વિસર્જન થયું હતું. ત્યારબાદ સાંજે 4થી રાતે 8 વાગ્યા સુધીના ચાર કલાકમાં 8,382 પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું. આમ, રાતે 8 વાગ્યા સુધી કુલ 10,469 મૂર્તિનું વિસર્જન થયું.
કૃત્રિમ તળાવોમાં વિસર્જન
લેપ્રસી મેદાનમાં 9થી 4 દરમિયાન 302 અને 4થી 8 દરમિયાન 652, એટલે કુલ 954 મૂર્તિનું વિસર્જન થયું. ખોડિયાર નગરમાં આ આંકડા 68, 596 અને 664 રહ્યા. હરણી કુંડમાં 113, 851 અને 964 તથા દશામા તળાવમાં 203, 973 અને 1,176 મૂર્તિનું વિસર્જન થયું.
ભાયલી તળાવમાં 217, 589 અને 806; બિલ તળાવમાં 125, 233 અને 358; નવલખી તળાવમાં 460, 510 અને 970 મૂર્તિનું વિસર્જન થયું. હરણી-સમા લિંક રોડ ખાતે 201, 1,265 અને 1,466; કુબેરેશ્વર તળાવમાં 224, 1,077 અને 1,301; માંજલપુર તળાવમાં 106, 1,391 અને 1,497 મૂર્તિનું વિસર્જન થયું. તરસાલી તળાવમાં 56, 129 અને 185, જ્યારે મકરપુરા તળાવમાં 12, 116 અને 128 મૂર્તિનું વિસર્જન થયું.
આશીર્વાદ ગણેશના હરીશ ધુમાળે જણાવ્યું કે છેલ્લા ત્રણેક વર્ષથી ગરમીને કારણે યાત્રાઓ સાંજે 5 વાગ્યા બાદ નીકળે છે. માંજલપુરના રાજાના આયોજક સેતુ પટેલે જણાવ્યું કે સાંજે ઓફિસ અને ધંધાથી છૂટ્યા બાદ લોકો યાત્રામાં જોડાય છે. રાત્રે લાઇટિંગ અને LEDની અસર પણ વધુ દેખાતી હોવાથી આ સમય પસંદ થતો હોવાનું જણાવાયું.
ખંડેરાવ માર્કેટના વેપારીઓના જણાવ્યા અનુસાર, વિસર્જન યાત્રાઓને કારણે 20 લાખથી વધુનાં ફૂલોનું વેચાણ થયું હતું. ટ્રાફિક વ્યવસ્થા માટે પોલીસે 1,800થી વધુ લાઇસન્સ ધરાવતાં મંડળોના લોકેશન, આયોજકોના સંપર્ક, વિસર્જન રૂટ અને કૃત્રિમ તળાવોની વિગતોનું ડિજિટલ મેપિંગ કર્યું હતું.
