રાજકોટમાં નવરાત્રીની ઉજવણી માટે ‘અબતક સુરભી રાસોત્સવ’ ફરી ખેલૈયાઓને ગરબાના રંગમાં રંગવા તૈયાર છે. આ વર્ષે રાસોત્સવનું આયોજન શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ ઉપરાંત માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પણ કરવામાં આવશે. બે સ્થળે આયોજન થવાથી રાજકોટના અલગ-અલગ વિસ્તારોના ખેલૈયાઓને પોતાના ઘર નજીક ગરબા રમવાની સુવિધા મળશે અને ટ્રાફિકનું ભારણ પણ ઘટશે.

આ આયોજનમાં નવરાત્રીના સતત નવ દિવસ માતાજીની આરાધના સાથે અર્વાચીન દાંડિયારાસ યોજાશે. આયોજકો દ્વારા ખેલૈયાઓ અને પરિવારો માટે સુરક્ષા, પાર્કિંગ અને બેઠક વ્યવસ્થાને મહત્વ આપવામાં આવ્યું છે. માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પરિવાર સાથે સમય વિતાવવા માટે વિશેષ ‘એક્સક્લુઝિવ ગઝેબો સિટિંગ’ની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. દરેક ગઝેબો 30/50ની સાઈઝમાં તૈયાર કરવામાં આવ્યો છે.

બે સ્થળે ગરબા અને પરિવારમૈત્રી સુવિધાઓ

માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ગરબા સાથે કેટરિંગ સ્ટેશનની પણ વ્યવસ્થા રહેશે. આયોજકોના જણાવ્યા મુજબ, વિશાળ અને સુઘડ વાતાવરણમાં ખેલૈયાઓને ગરબા ઉપરાંત ખાણીપીણીનો અનુભવ પણ મળશે. રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે પણ ખેલૈયાઓ માટે વિશાળ મેદાન અને જરૂરી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી રહી છે.

જાણીતા કલાકારો સંગીતથી વધારશે ઉમંગ

રાસોત્સવમાં માર્ગી પટેલ, જીતુદાન ગઢવી, મિલન મહેર અને શ્યામલ જાદવ સહિતના ગાયક કલાકારો રજૂઆત કરશે. જિલ એન્ટરટેઇન્ મેન્ટ ગ્રુપનું ઓર્કેસ્ટ્રા અને સાઉન્ડ વ્યવસ્થા પણ કાર્યક્રમનો ભાગ રહેશે. આયોજકોના જણાવ્યા મુજબ, સુરક્ષા વ્યવસ્થા, સંગીત અને આયોજનને કારણે રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રના ગરબા રસિકોમાં પણ રાસોત્સવને લઈને ઉત્સાહ છે.