અમેરિકાના ઓહાયો રાજ્યના રિચમંડ હાઇટ્સ સ્થિત શ્રી સ્વામિનારાયણ વડતાલ ધામ હિન્દુ મંદિર પર શુક્રવારે બપોરે ઈંટોથી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં મંદિરની બારીઓના કાચ તૂટી ગયા અને ઇમારતને નુકસાન થયું. ઘટના સમયે પૂજારી સહિત અનેક શ્રદ્ધાળુઓ મંદિરની અંદર હાજર હતા.

હિન્દુ અમેરિકન ફાઉન્ડેશનના જણાવ્યા અનુસાર, હુમલો બપોરે લગભગ 1:30 વાગ્યે થયો હતો. ગ્રેટર ક્લીવલેન્ડ વિસ્તારમાં આવેલા મંદિરને નિશાન બનાવી હુમલાખોરોએ ઇમારત તરફ ઈંટો ફેંકી હતી. Coalition of Hindus of North Americaએ પણ મંદિરની બારીઓ તૂટ્યાની માહિતી આપી છે.

CCTV ફૂટેજની તપાસ શરૂ

હિન્દુ અમેરિકન ફાઉન્ડેશનના જણાવ્યા અનુસાર, ઘટનાનું CCTV ફૂટેજ ઉપલબ્ધ છે અને અધિકારીઓ તેની તપાસ કરી રહ્યા છે. સંગઠને આ મામલે FBI તથા સિવિલ રાઇટ્સ અધિકારીઓને માહિતી આપવાની વાત કહી છે.

ફાઉન્ડેશને આ ઘટનાને સંભવિત હેટ ક્રાઇમ ગણાવી છે. જોકે, હુમલાનો ચોક્કસ હેતુ અને તેમાં સામેલ લોકો અંગે સત્તાવાર રીતે કોઈ અંતિમ માહિતી જાહેર થઈ નથી. સંગઠને કાયદો અમલ કરાવતી એજન્સીઓને આરોપીઓને ઝડપથી શોધી કાઢવાની અપીલ કરી છે.

પાંચ વર્ષમાં મંદિરોને નિશાન બનાવવાની અનેક ઘટનાઓ

હિન્દુ સ્વયંસેવક સંઘ USAના જણાવ્યા અનુસાર, છેલ્લા પાંચ વર્ષમાં અમેરિકામાં હિન્દુ મંદિરોને નિશાન બનાવી તોડફોડની 15થી વધુ ઘટનાઓ બની છે. તેમાં 6 BAPS મંદિરોનો પણ સમાવેશ થાય છે.

Coalition of Hindus of North Americaએ અગાઉની ઘટનાઓની સમયરેખા પણ જાહેર કરી છે. ઓગસ્ટ 2022માં ન્યૂયોર્કના ક્વીન્સ સ્થિત શ્રી તુલસી મંદિરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાની તોડફોડ થઈ હતી. ડિસેમ્બર 2023માં કેલિફોર્નિયાના નેવાર્ક સ્થિત SMVS શ્રી સ્વામિનારાયણ મંદિરની દિવાલો પર નફરતભર્યા લખાણો લખાયા હતા.

સપ્ટેમ્બર 2024માં ન્યૂયોર્કના મેલવિલ અને કેલિફોર્નિયાના સેક્રામેન્ટો વિસ્તારમાં આવેલા BAPS મંદિરોમાં તોડફોડની ઘટનાઓ સામે આવી હતી. માર્ચ 2025માં કેલિફોર્નિયાના ચિનો હિલ્સ સ્થિત BAPS મંદિરને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું અને મંદિર પર વાંધાજનક તથા નફરતભર્યા સંદેશા લખવામાં આવ્યા હતા.

હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને અમેરિકન નેતાઓ અને સરકારી એજન્સીઓને ભારતીય તથા હિન્દુ-અમેરિકન સમુદાય વિરુદ્ધની નફરતભરી નિવેદનબાજીની નિંદા કરવા અપીલ કરી છે.