જૂનાગઢના માંગનાથ પીપળી ખાતે આવેલું હીરાગીરી માતાજીનું શક્તિસ્થળ વર્ષભર બંધ રહે છે. આસો નવરાત્રિના પ્રથમ દિવસથી આઠમ સુધી જ અહીં ભક્તો માટે દ્વાર ખોલવામાં આવે છે. આ ટૂંકા ગાળામાં શ્રદ્ધાળુઓ માતાજીનાં દર્શન કરવા અને દીવા પ્રગટાવવા આવે છે.
લોકવાયકા મુજબ, હીરાગીરી માતાજી મૂળ ઉત્તર ભારતનાં હતાં. તેઓ માંગનાથ પીપળીમાં માલધારીઓના નેસ વચ્ચે રહી તપસાધના કરતાં અને ગાયોની સેવા કરતાં. આ સમય દરમિયાન તેમનો માંગા ભટ્ટ સાથે પરિચય થયો અને તેઓ માંગનાથ મહાદેવના મંદિરમાં વસવાટ કરવા આવ્યાં.
કહેવાય છે કે હીરાગીરી માતાજીની સાધના અને સિદ્ધિઓથી પ્રભાવિત થઈ માંગા ભટ્ટે માંગનાથ મહાદેવનું મંદિર તેમને સુપરત કર્યું હતું. પોતાનું દેવીકાર્ય પૂર્ણ થયું હોવાનું માની માતાજીએ જીવતાં સમાધિ લીધી હતી. આ શક્તિસ્થળ માંગનાથ મહાદેવના મંદિરમાં આવેલું છે.
નવરાત્રિ દરમિયાન અહીં અખંડ દીવા પ્રગટાવવાની પરંપરા છે. ભક્તો પોતપોતાના ઘરેથી તેલ લાવી દીવા કરે છે. મંદિર ખાતે 151થી વધુ અખંડ દીવાઓની જ્યોત પ્રગટે છે. ભક્તો માતાજી સમક્ષ પોતાની મનોકામના સાથે પ્રાર્થના કરે છે.
આઠમની રાત્રે અહીં હવન-યજ્ઞ યોજાય છે. ત્યારબાદ નોમના દિવસે મંદિરનાં દ્વાર ફરી બંધ કરવામાં આવે છે અને આગામી નવરાત્રિ સુધી બંધ રહે છે. આમ, વર્ષના મોટાભાગના સમય દરમિયાન બંધ રહેતું આ સ્થળ નવરાત્રિના દિવસોમાં જ દર્શન માટે ખુલ્લું હોય છે.
