ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન શામળદાસ આર્ટસ કોલેજના સંસ્કૃત અનુસ્નાતક ભવનની સંશોધક ડૉ. હેતલ અશોકભાઈ પંડ્યાએ ‘નવગ્રહ તથા નક્ષત્રોની માનવજીવન પર થતી અસર’ વિષય પર સંશોધન પૂર્ણ કરીને Ph.D.ની ડિગ્રી મેળવી છે. તેમનું સંશોધન સંસ્કૃત વિષયના એસોસિયેટ પ્રોફેસર ડૉ. જયવંતસિંહ બી. ગોહિલના માર્ગદર્શન હેઠળ થયું હતું.
સંશોધનમાં પ્રમુખ પુરાણોમાં વર્ણવાયેલા નવગ્રહો અને નક્ષત્રોના સ્વરૂપ, સાંસ્કૃતિક મહત્વ તથા માનવજીવન સાથેના સંબંધોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. અભ્યાસમાં જ્યોતિષ પરંપરામાં દર્શાવવામાં આવતા વિવિધ જીવનતબક્કાઓ અને તેની સાથે જોડાયેલા વિચારોની સમીક્ષા કરવામાં આવી હતી.
જીવનના વિવિધ તબક્કાઓનું જ્યોતિષીય વિશ્લેષણ
ડૉ. હેતલ પંડ્યાના સંશોધનમાં સ્ત્રીઓના માસિક સ્રાવ, ગર્ભાધાન, બાળઉછેર, શિક્ષણ અને કારકિર્દી જેવા તબક્કાઓનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત સ્વાસ્થ્ય, ગંભીર રોગો અને અચાનક બનતી દુર્ઘટનાઓ અંગે જ્યોતિષશાસ્ત્રમાં રજૂ કરાયેલા અભિગમો તથા પરંપરાગત ઉપાયોનું પણ પદ્ધતિસર મૂલ્યાંકન કરવામાં આવ્યું છે.
સંશોધનના એક મહત્વના ભાગમાં દાંપત્યજીવન અને લગ્નસંબંધોનો જ્યોતિષીય દૃષ્ટિકોણથી અભ્યાસ કરવામાં આવ્યો છે. લગ્ન પહેલાં કુંડળી વિશ્લેષણ, લગ્ન બાદ ઊભા થતા મતભેદો અને છૂટાછેડા જેવી સમસ્યાઓ અંગે વિવિધ કુંડળીઓ તથા પ્રાચીન શાસ્ત્રોના આધારે સમીક્ષા કરવામાં આવી છે. યોગ્ય માર્ગદર્શનથી આવી સમસ્યાઓનું નિવારણ શક્ય છે કે નહીં, તે મુદ્દે પણ સંશોધનમાં તારણો રજૂ કરાયા છે.
વાઇવા પરીક્ષા અને શૈક્ષણિક કાર્ય
યુનિવર્સિટીમાં યોજાયેલી વાઇવા પરીક્ષામાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના પ્રો. ડૉ. મહેશકુમાર મેત્રા બાહ્ય પરીક્ષક તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ડૉ. હેતલ પંડ્યાને એમ.કે.બી. યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ભરતભાઈ બી. રામાનુજ, કાર્યકારી કુલસચિવ ડૉ. ભાવેશભાઈ જાની, અધ્યાપકો અને પરિવારજનોએ અભિનંદન પાઠવ્યા છે.
ડૉ. હેતલ પંડ્યાના અત્યાર સુધીમાં ત્રણ સંશોધનપત્રો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જર્નલોમાં પ્રકાશિત થઈ ચૂક્યા છે. તેમણે આંતરરાષ્ટ્રીય સેમિનારોમાં પણ સંશોધન રજૂ કર્યું છે. કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલયના SWAYAM પ્લેટફોર્મ પરથી તેમણે વાસ્તુશાસ્ત્રનો અભ્યાસક્રમ ઉત્કૃષ્ટ ગુણ સાથે પૂર્ણ કર્યો છે.
આ સંશોધનમાં ડૉ. મીતાબેન વ્યાસ, ડૉ. જાગૃતિબેન પંડ્યા અને ડૉ. નાયકનું માર્ગદર્શન મળ્યું હતું. ડૉ. હેતલ પંડ્યાએ પોતાની સિદ્ધિનો શ્રેય માતા-પિતા, પતિ, પુત્ર, સાસરી પક્ષ અને ગુરુજનોને આપ્યો છે.
