જૂનાગઢમાં 2026ની ગિરનાર લીલી પરિક્રમા 20 નવેમ્બરથી શરૂ થઈને 24 નવેમ્બર સુધી યોજાશે. કારતક સુદ અગિયારસથી કારતક પૂર્ણિમા સુધી ચાલતી આ ધાર્મિક યાત્રા માટે જિલ્લા વહીવટી તંત્રે પ્રાથમિક તૈયારીઓ શરૂ કરી છે. આ અંતર્ગત જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં પ્રથમ બેઠક યોજાઈ હતી.
બેઠકમાં પરિક્રમામાં આવનારા ભાવિકો માટે જરૂરી સુવિધાઓ સમયસર ઊભી કરવા અંગે વિભાગવાર આયોજનની ચર્ચા કરવામાં આવી. કલેક્ટરે પરિક્રમા રૂટનું નિરીક્ષણ કરીને સંબંધિત અધિકારીઓને સ્થળની જરૂરિયાત મુજબ વ્યવસ્થા ગોઠવવા સૂચના આપી હતી.
પીવાના પાણી અને માર્ગ મરામત પર ભાર
ચાલુ વર્ષે વરસાદની અછતને ધ્યાનમાં રાખીને પરિક્રમા રૂટ પર પીવાના પાણી સહિતની સુવિધાઓ પૂરતી માત્રામાં ઉપલબ્ધ રહે તે માટે ખાસ આયોજન કરવા જણાવાયું છે. પરિક્રમા રૂટ સાથે જોડાયેલા મહાનગરપાલિકા, માર્ગ અને મકાન વિભાગ, પંચાયત તથા સ્ટેટ હાઇવેના રસ્તાઓની મરામત અને રિસર્ફેસિંગનું કામ વહેલી તકે પૂર્ણ કરવા પણ સૂચના આપવામાં આવી છે.
ગિરનારની લીલી પરિક્રમાનો પરંપરાગત માર્ગ ભવનાથથી શરૂ થાય છે અને તેની કુલ લંબાઈ આશરે 36 કિલોમીટર છે. આ માર્ગ જંગલ વિસ્તારમાંથી પસાર થતો હોવાથી યાત્રિકોની સુવિધા સાથે પર્યાવરણ અને વન્યજીવોની સુરક્ષા પણ મહત્વની રહે છે.
વન્યજીવ સુરક્ષા અને લાઇટિંગની વ્યવસ્થા
પરિક્રમા દરમિયાન જંગલ વિસ્તારમાં વન્ય પ્રાણીઓ સાથે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વન વિભાગને વિશેષ કાળજી રાખવા જણાવાયું છે. ભાવિકોમાં વન્યજીવો અંગે જનજાગૃતિ ફેલાવવાની સાથે રૂટ પર પૂરતી લાઇટિંગ વ્યવસ્થા ઊભી કરવા પણ સૂચના અપાઈ છે.
બેઠકમાં પોલીસ વિભાગ, વન વિભાગ અને એસ.ટી. નિગમ સહિતના વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા. પરિક્રમા દરમિયાન યાત્રિકોને અવરજવર, પાણી અને સુરક્ષા સંબંધિત મુશ્કેલી ન પડે તે માટે વિભાગો વચ્ચે સંકલનથી કામગીરી આગળ વધારવામાં આવશે.
